Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યમાં આગામી તા. 13 થી 17 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના

  • July 13, 2022 

રાજ્યમાં આગામી તા. 13 થી 17 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના છે. આ નિચાણવાળા વિસ્તારોમાંથી આગોતરું સ્થળાંતર કરવા માટે વહીવટીતંત્રને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે તેમ રાહત કમિશનર અને મહેસૂલ સચિવ પી. સ્વરૂપે જણાવ્યું હતું.  એસ.ઈ.ઓ.સી.,ગાંધીનગર ખાતે આજે રાહત કમિશનર અને મહેસૂલ સચિવ પી. સ્વરૂપના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી.


રાહત કમિશનરે કહ્યું હતું કે હવામાન વિભાગની આગાહી મુજબ તા.૧૩થી તા.૧૭ જૂલાઇ-૨૦૨૨ દરમિયાન સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી તેમજ કચ્છ જિલ્લામાં તથા દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે. આ જિલ્લાઓમાંથી ઉંચાણવાળા વિસ્તારમાં સ્થળાંતરની કામગીરી કરવામાં આવશે. 


રાજ્યમાં વરસાદની સ્થિતિમાં વહીવટી તંત્ર, NDRF અને SDRFની ટીમો દ્વારા કરવામાં આવી રહેલી રાહત  કામગીરીની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતુ કે રાજયમાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા અમરેલી-૧, બનાસકાંઠા-૧,ભરૂચ-૧,ભાવનગર-૧,દેવભૂમી દ્વારકા-૧,ગીરસોમનાથ-૧,જામનગર-૧,જુનાગઢ-૧,કચ્છ-૧,નર્મદા-૧,નવસારી-૨,રાજકોટ-૧,સુરત-૧ અને તાપીમાં-૧ એમ NDRFની કુલ -૧૮ ટીમો તહેનાત કરવામાં આવી છે. જ્યારે ભારે વરસાદના કારણે છોટા ઉદેપુર-૧, નર્મદા-૧, આણંદ-૧,ભરૂચ-૨, છોટાઉદેપુર-૧, ડાંગ-૧, ગીરસોમનાથ-૨,જામનગર-૧,ખેડા-૨,મોરબી-૧,નર્મદા-૧,પાટણ-૧,પોરબંદર-૧,સુરેન્દ્રનગર-૨,તાપી-૧ આમ SDRFની કુલ ૧૮ પ્લાટુન તહેનાત કરવામાં આવી છે.


રાહત કમિશનરે કહ્યું હતું કે, ચાલુ વર્ષે તા.૧૧ જૂલાઇની સ્થિતિએ રાજ્યમાં અંદાજીત ૪૪,૩૬,૯૮૦ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં હાલ વાવણી ચાલુ છે.રાજ્યમાં જળાશયોની વિગતો આપતાં તેમણે કહ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં ૧૫૯૪૦૪ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૪૭.૭૧% છે જેમાં પાણીની આવક થતા ગત સપ્તાહ કરતાં ૭% જેટલો વઘારો થયો છે. રાજયનાં ૨૦૬ જળાશયોમાં ૨૫૧૨૦૯  એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૩૩.૬૧% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ - ૧૮  જળાશય, એલર્ટ ૫ર કુલ-૦૮ જળાશય તેમજ વોર્નીગ ૫ર કુલ -૧૧ જળાશય છે.


રાહત કમિશનરએ વરસાદ પ્રભાવિત નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં સફાઇની કામગીરી, પાણી ભરાયેલ વિસ્તારમાં ડીવોટરીગ પં૫ની વ્યવસ્થા,  તુટેલા રોડ તાત્કાલીક રીપેર થાય તેમજ આરોગ્યલક્ષી કાળજી લેવા જરૂરી સૂચનાઓ આપી હતી. હવામાન વિભાગના નિયામકશ્રી મોહંતી મનોહરે ગુજરાતમાં આગામી સમયમાં સંભવિત વરસાદની વિગતો આપી હતી. આ બેઠકમાં રાહત નિયામકશ્રી સી.સી. પટેલ, તેમજ ઊર્જા, માર્ગ-મકાન, GSRTC, સી.ડબલ્યુ.સી,ઇસરો, કોસ્ટ ગાર્ડ,પંચાયત વિભાગ, ફિશરીઝ, કૃષિ-પશુપાલન, ફોરેસ્ટ, NDRF, SDRF, GMB, GSDMA અને ફાયર સહિત સંબંધિત વિભાગના ઉચ્ચ અઘિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.    




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News