દાનહના નરોલીમાં બપોર બાદ ગૂમ થઈ ગયેલા બાળકનો મૃતદેહ રાતે રેતીમાં દટાયેલી હાલતમાં મળતાં પંથકમાં ચકચાર મચી હતી. બનાવ અંગે પોલીસે હાલ સીસીટીવી ફુટેજો મેળવીને ગુનેગાર સુધી પહોંચવા તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, નરોલીમાં રહેતો ૧૦ વર્ષીય ભાવિક વિગ્નેશ પટેલ ૧લી એપ્રિલે બપોરે ૪ વાગ્યાની આસપાસ કાકડ ફળિયા વિસ્તારમાં આવેલી હોટેલ દિવ્યરાજ પાસે રમી રહ્યો હતો. ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં તે કૂતરા સાથે રમતો જોવા મળ્યો હતો.
પરંતુ તે રાત સુધી ઘરે ન પહોંચતા પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. જોકે બાળકનો કોઈ પત્તો ન મળતા તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન એક કૂતરો વારંવાર રેતીના ઢગલા પાસે જઈને ખાડા તરફ ઈશારો કરી રહ્યો હતો. જેના કારણે પોલીસને શંકા જતા પોલીસે રેતી હટાવડાવી ત્યારે ત્યાંથી ભાવિકનો મૃતદેહ મળી આવ્યો હતો. રાત્રે લગભગ ૧૨ વાગ્યે બાળકના મૃતદેહને રેતીમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. આ ઘટના બાદ લોકો ભેગા થઈ જતાં કાકડ ફળિયા વિસ્તારમાં તણાવ વધી ગયો હતો. હાલમાં પોલીસે તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે કડીઓ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application