દેશની રાજધાની દિલ્હી સહિત અનેક રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને ગતરોજથી જ દેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. ગુજરાત, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણ જેવા પ્રદેશોમાં ગઈકાલથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક શહેરોમાં હવામાન બદલતા અને ભારે વરસાદ ખાબકતા જનજીવન પર અસર દેખાઈ રહી છે. કેટલીક જગ્યાએ ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાય જવાને પગલે રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા છે તો કેટલાક શહેરમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયુ. દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ગયો છે. જેના કારણે અનેક જગ્યાએ મધ્યમ અને ભારે વરસાદ થયો હતો.
હિમાલયન રાજ્ય ઉત્તરાખંડના કેદારનાથમાં ભારે વરસાદને કારણે યાત્રા ખોરવાઈ ગઈ હતી, જ્યારે બદ્રીનાથ ધામ પાસે કંચન ગંગામાં ઘોડાપુરને કારણે બદ્રીનાથ હાઈવે લગભગ 30 મીટર ધોવાઈ ગયો હતો. આ ઉપરાંત પૂર્વોત્તર રાજ્ય આસામમાં પૂરના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. મહારાષ્ટ્રમાં, મુંબઈમાં બાલ્કનીમાંથી પડીને બે વરિષ્ઠ નાગરિકોના મોત થયા છે. છત્તીસગઢના જશપુરમાં વીજળી પડવાથી એક જ પરિવારના બે લોકોના મોત થયા છે. વરસાદને કારણે અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રેલ અને માર્ગ વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. ભારે વરસાદને પગલે અનેક ફ્લાઈટોને ડાયવર્ટ કરવી પડી હતી. સ્તાઓ પર ટ્રાફિક જામના દ્વશ્યો જેવા મળી રહ્યા છે તેમજ અનેક શહેરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
હરિયાણાનાં પંચકુલામાં ભારે વરસાદના કારણે જનજીવન જોખમમાં મુકાયું છે. પંચકુલામાં વાદળ ફાટવાને કારણે અનેક ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા તેમજ પંચકુલા પાસે એક મહિલા તેના પરિવાર સાથે ઘગ્ગર નદીની પૂજા કરવા માટે આવી હતી અને તેની કાર નદી કિનારે પાર્ક કરી હતી. નદીમાં અચાનક પાણી આવી જતાં કાર સાથે મહિલા નદીમાં તણાઈ ગઈ હતી જો કે બચાવ કર્મીએ દોરડાની મદદથી મહિલાને બચાવી હતી અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બીજી તરફ હિમાચલ પ્રદેશના બાગી અને મંડી સહિત અનેક વિસ્તારોમાં અવિરત વરસાદ અને વાદળ ફાટવાથી પૂરની સ્થિતિ સર્જાઈ છે. વરસાદને કારણે મંડી-કુલુ નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં મોટું નુકસાન થયું છે.
અચાનક આવેલા પૂરનાં કારણે અનેક વાહનો તણાઈ ગયા છે. અધિકારીએ જણાવ્યું કે હતું કે, મંડી જિલ્લાના બાગીપુલ વિસ્તારમાં પરાશર તળાવ પાસે અચાનક પૂર આવ્યું જેમાં મંડી પરાશર રોડ પર બગ્ગી પુલ પાસે પ્રવાસીઓ અને સ્થાનિકો સહિત 200થી વધુ લોકો ફસાયા હતા. મંડી પોલીસે જણાવ્યું હતું કે કમાંદ પાસે ભારે ભૂસ્ખલનને કારણે મંડી-કુલુ રોડ બંધ છે અને તે આવતીકાલે ખુલવાની સંભાવના છે ભૂસ્ખલનને કારણે લગભગ 25-30 વાહનો ફસાયા છે. લોકો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને કાટમાળને હટાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાયા હતા અને કેટલાક માર્ગો પર વાહનોની અવરજવરને અસર થઈ હતી.
કેદારનાથમાં ભારે વરસાદના કારણે યાત્રિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે યાત્રાળુઓને સલામત સ્થળોએ રહેવાની અપીલ કરી હતી. તેમજ સોનપ્રયાગ અને ગૌરીકુંડથી સવારે 11 વાગ્યા બાદ કોઈ પણ મુસાફરને કેદારનાથ જવાની મંજૂરી આપવામાં આવી ન હતી. બીજી તરફ બદ્રીનાથ માર્ગની નાકાબંધીનાં કારણે શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થાનો પર રોકી દેવામાં આવ્યા છે. કેદારનાથ હાઈવે પર સોનપ્રયાગ અને ગૌરીકુંડની વચ્ચે પહાડ પરથી મોટો પથ્થર એક શટલ સર્વિસ વાહન પર પડતા ડ્રાઈવરનું મોત થયુ હતું, જ્યારે પુરોલામાં વીજળી પડવાથી એકનું વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ ઉપરાંત ઋષિકેશમાં રાફ્ટિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. આ મુજબ મુંબઈ અને મધ્ય મહારાષ્ટ્ર સહિત દરિયાકાંઠાનાં વિસ્તારોમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. બંગાળની ખાડી પર બનેલા તીવ્ર દબાણના કારણે ગુજરાતના કચ્છ પર ચક્રવાતનું પરિભ્રમણ સર્જાઈ રહ્યું છે અને સક્રિય ટ્રફ મહારાષ્ટ્રથી કોસ્ટલ કર્ણાટક સુધી વિસ્તરી રહી છે. જેના કારણે આગામી 48 કલાકમાં કોંકણ સહિત સમગ્ર વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત IMDએ જણાવ્યું હતું કે મુંબઈ અને દિલ્હીમાં 21 જૂન 1961 બાદ પ્રથમવાર ચોમાસાની શરૂઆત એક સાથે થઈ હતી. દિલ્હીમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ બુધવાર અને ગુરુવાર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application