ચીખલી તાલુકાનાં નોગામાં ગામે બાઈક સ્લીપ થઈ જતા મહુવાના વહેવલ ખાતે મિત્રના લગ્નમાં જતી વેળા ગણદેવીના સોનવાડી ગામના ૧૯ વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય એકને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, દેવાંગભાઈ ધીરુભાઈ હળપતિ (રહે.ગણદેવી, સોનવાડી ૪૫ ગાળા) પોતાના મિત્ર તુપારભાઈ સુરેશભાઈ હળપતિ સાથે રાત્રીના સમયે સુરત જિલ્લાના મહુવા તાલુકાનાં વહેવલ ખાતે મિત્રના લગ્ન પ્રસંગમાં તેના મિત્રની કેટીએમ ડડ્યૂટ બાઈક લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન ચીખલી તાલુકાનાં નોગામાં ગામે જલારામ ખમણની સામે ગણદેવાથી ટાંકલ જતા માર્ગ ઉપર મોટરસાઇકલ સ્લીપ થઈ રોડની સાઈડે આવેલા ઝાડ સાથે અથડાઈ હતી.
બાઈક પાછળ બેસેલ દેવાંગ હળપતિને મોઢાના, છાતીના ભાગે ગંભીર ઈજા થતા સારવાર અર્થે ટાંકલ સીએચસીમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ ઉપરના તબીબે તેને મૃત જાહેર કરતા તેના પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. જ્યારે બાઈક ચલાવનાર તુષારભાઈ સુરેશભાઈ હળપતિને શરીરે ઓછી વતી ઈજાઓ થતા તેને સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગેની ફરિયાદ નરેશભાઈ સોમાભાઈ હળપતિ (રહે.સોનવાડી પીપળા ફળિયા, તા.ગણદેવી)એ પોલીસ મથકે કરતા પોલીસે તુષારભાઈ સુરેશભાઈ હળપતિ (રહે. સોનવાડી ૪૫ ગાળા,ગણદેવી) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500