ભરૂચનાં જંબુસર તાલુકામાં પોલીસ દ્વારા ડિગ્રી વિના મેડિકલ પ્રેક્ટિશ કરતાં પશ્ચિમ બંગાળાનાં બોગસ તબીબો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેના પગલે કાવી પોલીસે ત્રણ ગામોમાંથી ચાર બોગસ તબીબોને ઝડપી પાડી તેમની પાસેથી કુલ રૂપિયા 12 હજારથી વધુની દવાઓ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. મળતી માહિતી મુજબ, કાવી પોલીસની ટીમે આસપાસનાં ગામોમાં ડિગ્રી વિના મેડિકલ પ્રેક્ટિશ કરતાં તબીબો અંગેનું ચેકિંગ હાથ ધર્યું હતું.
જેમાં મદાફર ગામે બ્રાહ્મણ ફળિયામાં રહેતો અને મુળ પશ્ચિમ બંગાળનાં નદિયા જિલ્લાનો સુમન સુશાંતા રોયના દવાખાને પહોંચ તપાસ કરતાં તેની પાસે ગુજરાત મેડિકલ કાઉન્સિલ તથા ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલની કોઇ માન્યતા પ્રાપ્ત મેડિકલ પ્રેક્ટિસ અંગેની ડિગ્રી નહીં ધરાવતાં હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે ટીમે તેની ધરપકડ કરી તેની પાસેથી કુલ રૂપિયા 2,743/-નાં દવા અને ઇન્જેક્શનનો જથ્થો જપ્ત કર્યો હતો.
જયારે મદાફર ગામે જ પાંચઆના ફળિયામાં રણજીત અક્ષય સરકાર, કનાગામ ગામે બ્રાહ્મણ ફળિયામાં બિશ્વાસ પિન્ટુ સતિષ અને ટુંડચ ગામે સિગામવાળા ફળિયામાં અરૂપ સમુર બક્ષીને ડિગ્રી વિના તબીબી પ્રેક્ટિશ કરવાના ગુનામાં ઝડપી પાડી તેમની પાસેથી પણ અંદાજ રૂપિયા 10 હજારનો દવા અને ઇન્જેક્શનનો જથ્થો જપ્ત કર્યો હતો. આમ, ચારેય વિરૂદ્ધ ગુનો નોંધી કાવી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500