ઉમરગામ તાલુકાના સરીગામમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં ક્રેડિટ કાર્ડ વિભાગના કર્મચારીએ ગ્રાહક સાથે રૂ.૪,૯૪,૩૦૮/-ની છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી હતી. મળતી માહિતી મુજબ, સરીગામના એકલેરે માતા ફળિયામાં રહેતા ચંદુભાઈ વસંતભાઈ પટેલ સરીગામ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં બચત ખાતું ધરાવે છે અને તેની પાસે આ જ બેંકનું ૫,૦૦,૦૦૦ સુધીની લિમિટનું ક્રેડિટ કાર્ડ છે. માર્ચ ૨૦૨૪માં લગ્ન પ્રસંગ માટે તેમણે ૨,૦૦,૦૦૦ રૂપિયા ક્રેડિટ કાર્ડમાંથી ઉપાડયા હતા. જે રકમમાંથી ૫૦,૦૦૦ આઈ.ડી.બી.આઈ. ચેકથી ક્રેડિટ કાર્ડથી ચૂકવ્યા હતા અને બાકી રહેલ રૂ.૫૦,૦૦૦ મહિને હપ્તો કરી એસ.બી.આઈ. એકાઉન્ટમાંથી ભરી દીધા હતા.
આમ છતાં ૨૨ ઓક્ટોબરના રોજ ચંદુભાઈને ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટ તરફથી બાકી રકમ રૂ.૧,૦૪,૮૬૦ની નોટિસ મળી હતી. નોટિસ મળ્યા બાદ ચંદુભાઈએ એસબીઆઇ બેંકની સરીગામ બ્રાંચમાં જઈ ક્રેડિટ કાર્ડ વિભાગના કર્મચારી ધવલ સોલંકી (રહે.સેલવાસ)ને નોટિસ બતાવતા તેમણે ચંદુભાઈ પાસે અંગ્રેજીમાં પત્ર લખાવ્યો અને મોબાઈલથી ઓનલાઈન પ્રોસેસ કરી હવેથી ફોન નહી આવશે તેમ જણાવ્યું હતું. આ સમયે ચંદુભાઈએ એનઓસી માંગતા ધવલ સોલંકીએ પછીથી મળશે જણાવ્યું હતું. જોકે, તે પછી પણ ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટથી ચંદુભાઈને ફોન અને મેસેજ આવતા તેઓ ઘણીવાર બેંકમાં ધવલ સોલંકીને મળ્યા હતા.
જાન્યુઆરી ૨૦૨૫માં ધવલે મોબાઈલમાં ઓનલાઇન પ્રોસેસ કરી હતી. જે બાદ તારીખ ૭ જાન્યુઆરીએ એક નામવાળો પત્ર તેમજ ૧૭ જાન્યુઆરીના રોજ ધવલભાઈએ એક નામ વગરનો પત્ર ચંદુભાઈને આપી તમારું ક્રેડિટ કાર્ડ બંધ થઈ ગયું છે અને તમારે કોઈ રકમ ચૂકવવાની નથી તેમ જણાવ્યું હતું. જોકે તે બાદ પણ એસ.બી.આઈ. ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટ તરફથી ઘણી વાર તેમને મેસેજ અને ફોન દ્વારા ૪,૯૪,૩૦૮/-ની બાકી રકમ બતાવવામાં આવી હતી. જેથી એસ.બી.આઈ.ના ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટના કર્મચારી ધવલ અશોકભાઈ સોલંકીએ ચંદુભાઈને વિશ્વાસમાં લઈ તેમના ફોનથી ઓટીપી મેળવી ક્રેડિટ કાર્ડમાંથી તેમની જાણ બહાર કોઈ એકાઉન્ટમાં આશરે ૪,૯૪,૩૦૮/-નું ઓનલાઈન ટ્રાન્જેક્શન કરી કાર્ડ બંધ કરી દીધો હોવાનું જણાયું હતુ. એટલું જ નહીં કર્મચારીએ એસ.બી.આઈ.ના ખોટા અને બનાવટી પત્રો આપી છેતરપિંડી કરી હતી. તેથી ચુંદભાઈએ આવા આરોપો સાથેની ફરિયાદ ભીલાડ પોલીસ મથકમાં કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500