વ્યારા તાલુકાની એક ૧૬ વર્ષની સગીરાએ મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ ન કરવા માટે પરિવાર દ્વારા ઠપકો આપતા આ સગીરા ઘર છોડી ચાલી ગઈ હતી. પરંતુ બારડોલી ૧૮૧ અભયમ ટીમ દ્વારા સગીરાનું માતા-પિતા સાથે સુરક્ષીત મિલન કરાવ્યુ હતું. બનાવની વિગત એવી છે કે, બારડોલી તાલુકાનાં ઉવા ગામમાંથી રાત્રીના સમયે એક જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનમાં ફોન કરી જણાવ્યું કે, એક ૧૬ વર્ષની છોકરી તેમના ખેતરમાં એકલી બેઠી છે. તેની સાથે વાતચીત કરવા પુછ્યુ કે તારે ક્યાં જવું છે, ક્યાંથી આવ્યા, અહીં શું કરો છો પણ યુવતી કશુ કહેતી નથી.
સગીરા ખૂબ જ ગભરાયેલી અને ચિંતામાં છે જેના પગલે ૧૮૧ અભયમ ટીમના કાઉન્સેલર અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ તથા પાયલોટ ઘટના સ્થળે યુવતીની મદદ માટે પહોચ્યા હતા. તેમણે સગીરા સાથે વાતચીત કરતા તેણે કહ્યુ કે, તે તાપી જિલ્લાનાં વ્યારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં માતા-પિતા સાથે રહે છે. તે ધોરણ ૯ સુધી ભણેલી અને હાલ અભ્યાસ કરતી ન હતી. તે મોબાઈલ ફોન પર વધુ સમય વિતાવતી હોવાથી ઘર કામ કરવામાં પૂરતુ ધ્યાન આપતી ન હતી. જેથી તેમના માતા-પિતા અવારનવાર ઠપકો આપતા હતા અને માતાએ તેની પાસેથી ફોન પણ લઈ લીધો હતો એ બાબતનુ માઠું લાગી આવતા યુવતી તેમના માતા-પિતાને જાણ કર્યા વગર ઘરેથી ત્રણ દિવસ પહેલા નીકળી આવી હતી. તેને સમજાવતા તે તેમના માતા- પિતા પાસે ઘરે પરત જવા તૈયાર થઈ હતી.
માતા-પિતાના ફોન નંબર મેળવી વાતચીત કરીને તેમની દિકરી બારડોલી તાલુકાના ઉવા ગામમાં છે અને ઘટનાની તમામ હકીકત જણાવી હતી. માતા-પિતાએ ગુમ થયાની પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી. બાજીપુરા ચેક પોસ્ટ ખાતે યુવતીના માતા-પિતા તેમજ પરિવારના સભ્યો યુવતીને લેવા માટે પહોચી આવ્યા હતા. ત્યારબાદ ૧૮૧ ટીમ દ્વારા યુવતી અને તેમના માતા-પિતાના આધાર પુરાવા અને ફોટાઓ મેળવ્યા બાદ યુવતીના માતા-પિતાનું કાઉન્સેલિંગ કરી યોગ્ય સલાહ સુચન, માર્ગદર્શન આપી યુવતીનુ ધ્યાન રાખવા જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500