વલસાડનાં કપરાડા તાલુકાનાં સુલિયા ગામે રહેતી બે સંતાન ધરાવતી યુવાન વયની માતાએ મળસ્કે રહસ્યમય સંજોગોમાં ગામમાં આવેલ કૂવામાં પડતું મુકીને કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. મહિલાને હાલ ૩ માસનો ગર્ભ પણ હતો. પરંતુ દંપતીએ આપસી સહમતિથી હાલ ત્રીજું બાળક નથી જોઈતું તેમ નક્કી કરતા પતિએ કપરાડાથી ગર્ભપાતની દવા લાવી પત્નીને પીવડાવી હોવાનું બહાર આવ્યું હતું. બનાવની વિગત એવી છે કે, સુલિયા ગામના ઘોટવળ મૂળગામ ફળિયામાં રહેતા દિલીપભાઈ સીતાભાઈ ભંવર અને તેમની પત્ની કમળબેનને પુત્ર પ્રિયાંશ (ઉ.વ.૩) અને પુત્રી મહેક (ઉ.વ.૧.૫)ના રૂપમાં બે સંતાનો છે.
એવામાં કમળબેન ફરી ગર્ભવતી બની હતી અને તેણીને ૦૩ માસનો ગર્ભ રહ્યો હતો. જોકે મંગળવારે મળસ્કે ઘરેથી અચાનક ગાયબ થઈ ગયેલા કમળબેનનો મૃતદેહ ગામમાં આવેલા કૂવામાંથી મળી આવતા સમગ્ર ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચેલી કપરાડા પોલીસે મહિલાના મૃતદેહને પી.એમ. માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોલીસ સૂત્ર તથા ગ્રામજનોના જણાવ્યાનુસાર દિલીપ તથા કમળબેનને બે નાના સંતાનો છે. એવામાં કમળબેન ફરી ગર્ભવતી બનતા દંપતીએ હાલ ત્રીજું બાળક ધરતી પર લાવવુ નથી તેમ આપસી સહમતિથી નક્કી કરતા પતિ દિલીપે કપરાડાથી ગર્ભપાતની ગોળી લાવીને પત્નીને પીવડાવી હતી.
દરમિયાન કમળબેનની લાશ મળ્યા બાદ પરિવારજનોએ આપેલા નિવેદન મુજબ કમળબેનના વર્તનમાં છેલ્લા કેટલાક દિવસોથી પરિવર્તન જોવા મળતું હતું. પરંતુ તેણી આત્મહત્યા જેવું પગલું ભરશે તેવી કોઈને કલ્પના પણ નહોતી. પોલીસે જણાવ્યું કે, તેઓ તમામ પાસાની તપાસ કરી રહી છે. જેમાં પારિવારિક સંબંધો, આર્થિક સ્થિતિ સહિતના અન્ય સંભવિત કારણોનો સમાવેશ થાય છે. કૂવા પાસેથી નાની ટોર્ચ તથા ટુવાલ મળી આવ્યો હતો જેથી તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500