દિલ્હીના સાકેત કોર્ટમાં એક મહિલા પર એક વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો, જેમાં આ મહિલા ગંભીર રીતે ઘાયલ થઇ ગઇ હતી. વકીલના વેશમાં આવેલા એક વ્યક્તિએ અચાનક મહિલા પર ગોળીબાર કરી દીધો હતો. ૨૫ લાખ રૂપિયાની લેતીદેતીના વિવાદમાં આ ગોળીબાર થયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
કોર્ટનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે, જેમાં એક પુરુષ અને સ્ત્રી વચ્ચે ઝઘડો જોઇ શકાય છે. બાદમાં આ ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે, અચાનક પુરુષ પોતાના ખિસ્સામાંથી બંદુક કાઢે છે અને મહિલા પર ગોળીબાર કરી દે છે. ગોળીબાર થતા કોર્ટમાં દોડધામ જોવા મળી હતી, અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.સ્થાનિક ડીસીપી ચંદન ચૌધરીએ જણાવ્યું હતું કે ઘાયલ ૪૦ વર્ષીય મહિલાનું નામ એમ રાધા છે. તેને પેટ અને હાથમાં ગોળી મારવામાં આવી છે. તાત્કાલીક સારવાર માટે સાકેતની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હુમલાખોર ગોળીબાર કરીને પાછળના દરવાજેથી ભાગવામાં સફળ રહ્યો હતો, હાલ તેને ઝડપી પાડવા માટે પોલીસે ટીમ તૈનાત કરી છે. ગોળીબાર કરનારા વ્યક્તિએ પીડિતા મહિલાની સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500