વાપીનાં ગીતાનગરમાં કુટુંબીજનોએ પિતા-પુત્ર ઉપર સામાન્ય બોલાચાલીમાં ચપ્પુ અને કાતરથી હુમલો કરી દેતા તેઓ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયારે બનાવમાં ઇજાગ્રસ્તની પત્નીએ જેઠના 4 દીકરાઓ સામે પોલીસ ફરિયાદ કરતા વધુ તપાસ હાથ ધરાઇ હતી. બનાવની વિગત એવી છે કે, વાપી ગીતાનગર ખાતે રાજુભાઇની ચાલીમાં રહેતા વિનિતા પપ્પુ ગુપ્તાએ મંગળવારે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, પતિ પપ્પુ ગંગાસાગર ગુપ્તા શનિવારે સવારે કલગામ હનુમાન મંદિર ખાતે આવેલ વસંત ગુપ્તાની પૂજાની દુકાન ઉપર ગયા હતા. જ્યાંથી પરત સાંજે ઘરે આવ્યા હતા.
તે સમયે રાત્રિનાં 11 વાગે જેઠ ગુડ્ડુ ગુપ્તાના દીકરાઓ રાહુલ, રિંકુ અને પિંકુ કાયદાનાં સંઘર્ષમાં આવતો સગીર તેમના ઘરે આવ્યા હતા અને ગાળો બોલી ઉશ્કેરાઇને પપ્પુને ઢોર માર મારતા ફરિયાદીનો પુત્ર આકાશકુમાર પિતાને બચાવવા વચ્ચે પડ્યો હતો. તે સમયે આરોપી રિંકુ ગુપ્તાએ ગુડ્ડુને પેટના ભાગે તથા માથાના ભાગે ચપ્પુથી હુમલો કરતા તે લોહીલુહાણ હાલતમાં નીચે પડી ગયો હતો. જયારે પિતાને છોડાવવા પડેલા આકાશને પણ ઘરમાં પડેલા કાતરથી રાહુલ ગુપ્તાએ માર મારતા તે પણ ગંભીર રીતે ઘવાયો હતો.
ત્યારબાદ ચારેય આરોપી ધમકી આપી ત્યાંથી ફરાર થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવાર માટે વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા અને જેઠના ચારેય પુત્રો સામે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી. ફરિયાદી મહિલાએ પોલીસને જણાવેલ કે, 13 જૂનના રોજ જેઠના છોકરા રિંકુ અને તેની પુત્રી રિંકી વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઇ હતી. તેની અદાવત રાખી ચારેય ભાઇઓ ઘરે મારામારી કરવા આવી પહોંચ્યા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500