વલસાડનાં પારડી વિસ્તારમાં રહેતા દંપતિ મોપેડ ઉપર સાસરે જવા ઉમરગામ નીકળ્યા હતા. જ્યાંથી બીજા દિવસે સવારે પરત વાપી આવી પત્નીને છોડ્યા બાદ પતિ નોકરીએ નીકળ્યો હતો. તે દરમિયાન બલીઠા હાઇવે ઉપર એક કારનાં ચાલકે તેને પાછળથી ટક્કર મારતા ગંભીર ઇજા હોવાથી સ્થળ પર મોત થયું હતું.
મળતી માહિતી અનુસાર, પારડી અંબાચ રઘુજી ફળિયામાં રહેતા વિષ્ણુભાઇ ભગુભાઇ પટેલે મંગળવારે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમનો ભાઇ મનોજ (ઉ.વ.42) વાપી મોરાઇની વેસ્ટ્રો કંપનીમાં નોકરી કરતો હતો અને તેની પત્ની ભાવીષાબેન વાપીમાં રિલાયન્સ મોલમાં નોકરી કરે છે. બંને સોમવારે સાંજે એક્ટીવા નંબર GJ/15/DQ/6081 લઇને સાસરીમાં એકલારા તા.ઉમરગામ ખાતે ગયા હતા. જ્યાં રાત્રિ રોકાણ કર્યા બાદ મંગળવારે સવારે મનોજે પત્ની ભાવીષાને ગુંજન મોલ પર છોડી મોરાઇની કંપનીમાં જવા નીકળ્યો હતો.
તે દરમિયાન સવારે પોણા સાતેક વાગે સીરડી સાંઇ બેટરીની સામે બોમ્બે હોટેલની બાજુમાં મુંબઇથી સુરત તરફ જતા હાઇવે ઉપર ત્રીજા નંબરનાં ટ્રેક પર ક્રેટા નંબર GJ/21/BC/4959નાં ચાલકે પાછળથી મોપેડને ટક્કર મારતા તે નીચે પટકાયો હતો અને માથામાં ગંભીર ઇજા પહોંચતા કોઇએ 108ને કોલ કર્યો હતો. જેથી 108ની ટીમે મનોજને મૃત જાહેર કરતા આરોપી કાર ચાલક નીલકુમાર રામચંદ્ર પટેલ (ઉ.વ.28, રહે.પાટીદાર સ્ટ્રીટ પાલણ, વલસાડ) સામે ભાઇએ ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500