વાપી છરવાડામાં રહેતી એક કંપનીનાં મેનેજરની પત્નીએ એક પછી એક કુલ 4 લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધા બાદ ચૂકવી દીધા છતાં વધારાનાં રૂપિયાની માંગણી કરી ઘરે આવી તેમજ રસ્તામાં અટકાવી વ્યાજખોરો જાનથી મારવાની ધમકી આપતા પતિ-પત્ની સહિત કુલ 5 લોકો સામે તેણે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ, વાપીનાં છરવાડા ખાતે સન સીટી ટાવરમાં રહેતા પુજાબેન અશોકકુમાર બિસ્નોઇના પતિ મોરાઇ ખાતે વેલસ્પન કંપનીમાં પીપીસી ડીપાર્ટમેન્ટમાં ડેપ્યુટી મેનેજર તરીકે નોકરી કરે છે.
જોકે તેઓ વર્ષ-2018માં રમજાનવાડીમાં તેઓ ભાડે રહેતા ત્યારે કુલદિપસીંગ અને તેની પત્ની શશીબાલા સાથે તેઓની ઓળખ થઇ હતી. ત્યારબાદ પુજાબેન પતિ સાથે છરવાડા રહેવા આવી ગયા હતા. જે બાદ શશીબાલા પતિ સાથે ગાડીના હપ્તા ભરવા રૂપિયા માંગવા આવતા ટુકડે ટુકડે રૂપિયા આપતા તેઓ પુરા રૂપિયા પરત આપી ગયા હતા. ત્યારબાદ પુજાબેનને પણ રૂપિયાની જરૂર પડતા શશીબાલા પાસેથી દસ ટકા વ્યાજે રૂપિયા 4,41,600/- લઇ વ્યાજ સહિત રૂપિયા 3,80,000/- તેમના એકાઉન્ટમાં અને 2.50 લાખ મળી કુલ રૂપિયા 6,30,000/- ચુકવી દીધા છતાં વધુ પૈસાની માંગ કરી રસ્તામાં બોલાવી માંગણીઓ કરતા અને બંને દંપતિ ઘરે આવી ઝઘડો કરી જાનથી મારવાની ધમકી આપતા હતા.
જયારે બીજા કેસમાં પુજાબેને પ્રિયાસીંગ પ્રદીપસીંગની છોકરી હોસ્પિટલમાં દાખલ હોય તેને રૂપિયાની જરૂર પડતા ઓળખીતા ઉમેશસીંગ (રહે.વૈભવલક્ષ્મી એપાર્ટમેન્ટ, રમજાનવાડી) તેની પાસેથી દસ ટકાનાં વ્યાજે રૂપિયા 60,000/- અપાવ્યા હતા. ત્યારબાદ રૂપિયા 1,64,000/- ચુકવ્યા છતાં ઉમેશનો મિત્ર સુનીલ મિશ્રા અવારનવાર ઘરે આવી જાનથી મારવાની ધમકી આપતો આવેલ છે. જોકે ત્રીજા કેસમાં અનીલસીંગ (રહે.વૈભવલક્ષ્મી, રમજાનવાડી) પાસેથી પુજાબેને દસ ટકા વ્યાજે એક લાખ રૂપિયા લીધા હતા. તે રૂપિયા આશુતોષ અને તેના મિત્ર પ્રિયાસીંગને આપ્યા હતા. જે બદલ વ્યાજ સહિત રૂપિયા 1,75,000/- ચુકવી દેવા છતાં વધુના 1 લાખની માંગણી કરી રૂપિયા ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા કુલ 5 વ્યાજખોરો સામે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500