વાપીનાં બલીઠામાં હાઇવે ક્રોસ કરી રહેલી મહિલાને સુરતથી મુંબઇ તરફ જતા માર્ગ ઉપર એક કારનાં ચાલકે ટક્કર મારતા તેને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. જોકે મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, વાપીનાં સલવાવ કોળીવાડ ખાતે સિધ્ધી વિનાયક સોસાયટીમાં વોચમેન તરીકે નોકરી કરતા કરણસીંગ નંદસીંગ ધામીની પત્નીની તબિયત ખરાબ હોવાથી બુધવારે બંને વાઇબ્રન્ટ હોસ્પિટલ નજીક આવેલ એક દવાખાનામાં દવા લેવા માટે ગયા હતા.
જ્યાંથી નીકળી શાકભાજી લેવા માટે તેઓ સુરતથી મુંબઇ તરફ જતા હાઇવે ઉપર રસ્તો ક્રોસ કરવા જતા તેની પત્ની રાજુ ધામીને એક કારનાં ચાલકે સ્પીડમાં ટક્કર મારતા તે નીચે પટકાઇ હતી. જોકે આ અકસ્માતમાં શરીરે તેમજ માથાનાં ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ કારનો ચાલક અને તેની સાથે એક મહિલા નીચે ઉતરી હતી અને બંને તાત્કાલિક ઇજાગ્રસ્ત મહિલાને કારમાં બેસાડી વાઇબ્રન્ટ હોસ્પિટલમાં લઇ ગયા હતા.
જ્યાં સારવાર દરમિયાન તે મોતને ભેંટી હતી. બનાવ અંગે વોચમેને કાર નંબર MH/02/CW/2371નાં ચાલક પરેશ પ્રવિણભાઇ પરમાર (રહે.થાણે, મીરા રોડ, મહારાષ્ટ્ર)નાં સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500