વલસાડનાં પારડીથી વહેલી સવારે મોપેડ ઉપર વાપીની શાળામાં જઈ રહેલી શિક્ષિકાને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. જોકે આ સાથે જ ગંભીર ઈજા થવાથી તેણીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાપીનાં ચણોદ ગામે આવેલી વિનર્સ સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા અને પારડી ખાતે અભિનવ પાર્કમાં રહેતા શિક્ષિકા પાયલ રાધાકૃષ્ણ દત્તા બુધવારે વહેલી સવારે પોતાની મોપેડ નંબર GJ/15/DQ/5552 ઉપર સવાર થઈને સ્કૂલમાં જવા નીકળ્યા હતા.
તેઓ નેશનલ હાઈવે નંબર-48 ઉપર મોતીવાડા એસ.આર. પેટ્રોલપંપ સામે બ્રિજ ઉપરથી પસાર થતા હતા. ત્યારે કોઈ અજાણ્યા વાહનનાં ચાલકે તેમની મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ સાથે જ તેણીના માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજા થતા તેમનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જનાર વાહન ચાલક પોતાનું વાહન લઈ ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ મૃતકના પતિ દિપાકર નિરંજન મંડલએ પારડી પોલીસને કરી હતી.
જે બાદ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બીજી તરફ શિક્ષિકાના આકિસ્મક અવસાનથી તેમના પરિવાર તથા શાળા પરિવારમાં શોકની કાલિમા છવાઈ જવા પામી હતી. મૃતક મૂળ ડામડમ કોલકાતા પશ્ચિમ બંગાળના વતની હતા અને છેલ્લા ઘણા સમયથી પારડી રહી વાપીની શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500