વલસાડ તાલુકાનાં એક ગામમાંથી સીમાબેન (નામ બદલ્યું છે) નામની મહિલાએ 181 અભયમ ઉપર ફોન કરીને એમના પતિ અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ ધરાવે છે અને વ્યસન કરીને હેરાનગતિ કરતા હોવાની ફરિયાદ કરી મદદ માંગી હતી. જેથી મહિલાએ જણાવેલા સરનામે 181 અભયમની ટીમ તાત્કાલિક પહોંચી હતી. જ્યાં બંને પક્ષોનું કાઉન્સેલિંગ થકી સમજાવટ કરી પારિવારિક ઝઘડાનો સુખદ ઉકેલ લાવવામાં આવ્યો હતો. અભયમ ટીમના જણાવ્યાં અનુસાર, સીમાબેન (નામ બદલ્યું છે) લગ્ન જીવનમાં 2 સંતાનો છે અને તેઓ નાનું મોટું કામ કરે છે.
તેમજ તેમના પતિ કલ્પેશભાઈ (નામ બદલ્યું છે) કોઈ કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. કલ્પેશ છેલ્લા 4 વર્ષથી અન્ય મહિલાનાં સંપર્કમાં આવતા તેઓ વચ્ચે પ્રેમ સંબંધ છે. તે વાતની જાણ ઘરનાં સભ્યો તથા સીમાબેનને થઈ ત્યારે કલ્પેશ બીજી સ્ત્રી સાથેનો સંબંધ પૂરો કરી છૂટા પડી જશે એમ ખાતરી આપ્યા બાદ પણ કલ્પેશે તેનો અનૈતિક પ્રેમ સંબંધ ચાલુ જ રાખ્યો હતો. સીમાબેનને આ વાતની જાણ થતા અન્ય સ્ત્રીને નિરાકરણ માટે ઘરે બોલાવી હતી તેમજ 181 અભયમને પણ મદદ માટે બોલાવી હતી. આ બાબતે બંને પક્ષનો કાઉન્સિલિંગ કરી કાયદાકીય માહિતી આપી હતી.
જોકે સીમાબેને શરત મુકી હતી કે, જો પતિ તેના અનૈતિક સંબંધ ચાલુ રાખશે તો બંને બાળકો સહિત પોતાને ભરણપોષણ અને વળતર આપી છૂટાછેડા આપી દે. જેથી અભયમની ટીમે બંને બાળકોનું ભવિષ્ય અંધકારમય ન બને તથા સાંસારીક જીવન વિખેરાઈ ન જાય તે માટે બંને પક્ષોને સમજાવતા કલ્પેશ અન્ય સ્ત્રી સાથે હવેથી કોઈપણ પ્રકારના સંબંધ કે વ્યવહાર નહીં રાખે અને હવે પછી વ્યસન પણ છોડી દેશે તેમજ હેરાનગતિ કરશે નહી એવી ખાતરી આપતા સીમાબેને પતિ પર વિશ્વાસ મૂકી પોતાના થકી જે ભૂલો થતી હોય તે ફરી ન થાય તે વાતનું ધ્યાન રાખશે એમ કહ્યું હતું. જેથી અભયમની મદદથી વિખવાદનો અંત આવી સુખદ સમાધાન થયું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500