રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શનિવારે મોડી રાતે મૂશળધાર વરસાદ પડવાના કારણે ઓલ્ડ રાજેન્દ્રનગરમાં રાવ આઈએએસ કોચિંગ ઈન્સ્ટિટયૂટના ભોંયરામાં પાણી ભરાઈ જતાં ત્રણ વિદ્યાર્થીઓનાં મોત નીપજ્યાં છે. સ્ટડી સેન્ટરના બેઝમેન્ટમાં બે વિદ્યાર્થિની અને એક વિદ્યાર્થી ચાર કલાક કરતાં વધુ સમય સુધી બેઝમેન્ટમાં ફસાયેલા રહ્યા હતા. તેમને બચાવવામાં આવે ત્યાં સુધીમાં તેમના મોત થઈ ગયા હતા. આ ઘટનાના પગલે રવિવારે વિદ્યાર્થીઓએ કોચિંગ સેન્ટરની બહાર ભારે હોબાળો મચાવ્યો હતો. પોલીસે કોચિંગ સેન્ટરના માલિક અને કો-ઓર્ડિનેટરની ધરપકડ કરી છે. દિલ્હી સરકારે આ ઘટનાની વધુ તપાસના આદેશ આપ્યા છે. દિલ્હીમાં શનિવારે સાધારણ વરસાદમાં ઓલ્ડ રાજેન્દ્રનગર વિસ્તારમાં કમર સુધી પાણી ભરાઈ ગયા હતા.
આ વિસ્તારમાં યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અનેક કોચિંગ ક્લાસ ચાલી રહ્યા છે. અહીં રાવ આઈએએસ સ્ટડી સર્કલની બહારના રસ્તા પર બાઈક અને સ્કૂટી ડૂબી ગયા હોય તેટલું પાણી ભરાયં હતું. અધિકારીઓએ જણાવ્યું કે, આવા સમયે રાવ સ્ટડી સેન્ટરનો લોખંડનો ગેટ ખોલવામાં આવતા રસ્તા પરનું પાણી તિવ્ર પ્રવાહ સાથે કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં ઘૂસી ગયું હતું. પાણીનો પ્રવાહ એટલો તિવ્ર હતો કે માત્ર ત્રણ જ મિનિટમાં ૧૨ ફૂટ ઊંડું બેઝમેન્ટ ભરાઈ ગયું હતું. આ સમયે 25થી 30 વિદ્યાર્થિની-વિદ્યાર્થીઓ બેઝમેન્ટમાં બનેલી લાયબ્રેરીમાં વાંચી રહ્યા હતા. પાણી ભરાવાથી આ વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા.
જોકે, મોટાભાગના વિદ્યાર્થીઓ પોતાની રીતે જ બહાર નીકળી ગયા હતા. ભોંયરામાં પાણી ભરાતા અગ્નિશામક દળ વિભાગના કર્મચારીઓ આવ્યા હતા. તેમણે દોરડા ફેંકી ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવા પ્રયત્ન કર્યો, પરંતુ પાણી એટલું ગંદુ હતું કે, કશું દેખાતું નહોતું. વધુમાં મોટરથી પાણી બહાર કાઢવામાં આવ્યું, પરંતુ તેમાં અનેક કલાકો નીકળી ગયા હતા. પરિણામે બે વિદ્યાર્થિની અને એક વિદ્યાર્થી બહાર નીકળી નહીં શકતા તેમનાં મોત નીપજ્યાં હતા. તેમની ઓળખ થઈ ગઈ છે, જેમાં 25 વર્ષીય તાન્યા સોની, 25 વર્ષીય શ્રેયા યાદવ, કેરળ નિવાસી નેવિન ડાલ્વિનનો સમાવેશ થાય છે. ત્રણેય વિદ્યાર્થીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રામ મનોહર લોહિયા હોસ્પિટલ મોકલાયા છે.
દિલ્હી પોલીસે આ ઘટનાના સંદર્ભમાં રવિવારે રાવ આઈએએસ સ્ટડી સેન્ટરના માલિક અભિષેક ગુપ્તા અને કો-ઓર્ડિનેટર દે શપાલ સિંહની ધરપકડ કરી હતી. તેમની સામે બિનઈરાદાપૂર્વક હત્યા અને અન્ય આરોપો હેઠળ એફઆઈઆર નોંધી છે. એફઆઈઆરમાં જણાવાયું છે કે રસ્તા પર પાણીના નીકળવાની વ્યવસ્થા યોગ્ય નહોતી. આ કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. પાછળથી આ પાણી બેઝમેન્ટમાં ઘૂસી ગયું હતું. કોચિંગ સેન્ટરના માલિક અભિષેક ગુપ્તાએ કબૂલ્યું હતું કે, ભોંયરામાં પાણીના નીકળવાની કોઈ વ્યવસ્થા નહોતી, જેના કારણે દુર્ઘટના સર્જાઈ હતી.
ત્રણ વિદ્યાર્થીઓનાં મોતના કારણે યુપીએસસીની તૈયારી કરતાં વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ ફેલાયો હતો. તેમણે વિદ્યાર્થીઓના મોત માટે દિલ્હી નગર નિગમ, સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટર તથા કોચિંગ સેન્ટરને જવાબદાર ગણાવતા વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કર્યો હતો. એક વિદ્યાર્થીએ કહ્યું કે, આ દુર્ઘટના માટે એમસીડી અને કોચિંગ સેન્ટર બંને સંયુક્તરૂપે જવાબદાર છે. આ દુર્ઘટનાના વિરોધમાં વિદ્યાર્થીઓએ દેખાવો કરતાં કરોલબાગ મેટ્રો સ્ટેશન પર ટ્રાફિક જામ કરી દીધો હતો. વિદ્યાર્થીઓ સરકારી સિસ્ટમ સામે સવાલ ઉઠાવી રહ્યા છે.
દિલ્હીના મેયર ડો.શૈલી ઓબેરોયે દાવો કર્યો હતો કે, રાવ આઈએએસ સ્ટડી સેન્ટર પાસે બેઝમેન્ટમાં પાર્કિંગ અને સ્ટોરેજની મંજૂરી હતી. કોચિંગ સેન્ટરે ગેરકાયદે રીતે બેઝમેન્ટમાં લાયબ્રેરી બનાવી દીધી હતી. આ દુર્ઘટના પછી મેયર શૈલી ઓબેરોયે એમસીડીના કમિશનરને સમગ્ર દિલ્હીમાં નિયમોનો ભંગ કરીને ભોંયરામાં વ્યાવસાયિક પ્રવૃત્તિઓ ચાલતી હોય તેવા કોચિંગ સેન્ટર અને અન્ય સંસ્થાઓ વિરુદ્ધ તુરંત કાર્યવાહી કરવા નિર્દેશો આપ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application