મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢ ઘાસિયામેંઢા ગામમાં વગર પાસ પરમિટે રૂપિયા 33 હજારથી વધુનો ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જયારે દારૂનું વેચાણ કરતી મહિલા હાજર ન મળી આવતાં પોલીસે ચોપડે વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો ગુરૂવારનાં રોજ બપોરનાં સમયે ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઘાસિયામેંઢા ગામે એક મહિલા સુજાતાબેન દિનેશભાઈ ચૌધરી (રહે.ઘાસિયામેંઢા ગામ, ડુંગરી ફળિયું, સોનગઢ) જે પોતાના ઘરે ઈંગ્લીશ દારૂ રાખી તેનું વેચાણ કરે છે.
જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ જઈ રેઈડ કરતા ત્યાં કોઈ મહિલા મળી આવેલ ન હતી. જોકે પોલીસે સ્થળ ઉપર તપાસ હાથ ધરતા ઘરના પજારીનાં ભાગેથી અલગ અલગ જગ્યાએ સંતાડી રાખેલ પ્લાસ્ટિકનાં કોથળામાં તથા કાપડની થેલીમાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની કુલ 387 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 33,050/- હતી. બનાવ અંગે પોલીસ કર્મચારી સંદીપભાઈ રાઉતની ફરિયાદનાં આધારે ઘરે હાજર ન મળી આવેલ મહિલા વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500