મનિષા સુર્યવંશી/વ્યારા : સોનગઢનાં ઘુંટવેલ ગામે ઘાટ ફળિયાનાં જંગલ વિસ્તારમાંથી રૂપિયા 72 હજારનો દેશી દારૂનો જથ્થો પોલીસ રેઈડમાં મળી આવતાં પોલીસે પ્રોહી. મુદ્દામાલ કબ્જે કર્યો હતો, જયારે પોલીસે બે ઈસમોને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કર્યા હતા. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસો શુક્રવારના રોજ વહેલી સવારે ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, પ્રોહી. સાથે સંકળાયેલ એક ઈસમ તથા તેનો સાથીદાર ઘુંટવેલ ગામનાં ઘાટ ફળિયામાં જંગલ વિસ્તારમાં દેશી દારૂની પેટીઓ ઉતારનાર છે અને આ દેશી દારૂનો જથ્થો બાઈક ઉપર કાર્ટિંગ કરનાર છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો ઘુંટવેલ ગામનાં ઘાટ ફળિયાનાં જંગલ વિસ્તારમાં જતા ત્યાં આગળ એક બાઈક તેમજ એક ઈસમ ઉભેલ હતો.
જોકે પોલીસે ટોર્ચ વડે અજવાળું કરી જોતા બંને ઈસમો બાઈક ઉપર બેસી ભાગવા લાગ્યા હતા જોકે પોલીસે એકને ઓળખી પાડ્યો હતો જયારે બીજા ઈસમનાં નામઠામની ખબર ના હતી. આમ બંને ઈસમો અંધારાનો લાભ ઉઠાવી બાઈક લઈ ભાગી છૂટ્યા હતા. જયારે પોલીસે ઓળખી પાડેલ ઈસમનું નામ, સુમનભાઈ દીવાનજીભાઈ ગામીત (રહે. ઘુંટવે ગામ, સોનગઢ)નાં હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે બંને ઈસમો ઉભા હતા ત્યાં ટોર્ચનાં અજવાળે તપાસ કરતા ખાખરાનાં પાંદડાની નીચે પુંઠાનાં સંતાડેલ બોક્ષો મળી આવ્યા હતા અને આ બોક્ષોમાંથી વગર પાસ પરમીટે દેશી દારૂની સુંગધી સંતરાની કુલ 1,440 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 72,000/- હતી. બનાવ અંગે પોલીસ કર્મચારી સંદીપભાઈ વરસાડેની ફરિયાદનાં આધારે ભાગી છુટેલ બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500