મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં કપુરા ગામની સીમમાં આવતાં જોલી પેટ્રોલપંપ પાસેથી આગળ એક અજાણ્યા ટ્રક ચાલકે મોપેડ બાઈકને અડફેટે લેતાં બાઈક પર સવાર જેતવાડી ગામનાં શખ્સનું ઘટના સ્થળ ઉપર કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું, જયારે એકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવતો હતો. બનાવ અંગે વ્યારા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, વ્યારાનાં જેતવાડી ગામે રહેતા જિગ્નેશભાઈ રમેશભાઈ ગામીત જેઓ ગુરૂવારનાં રોજ સાંજના છ વાગ્યે ગામમાં જ રહેતા ચેમાભાઈ ઝીણાભાઈ ગામીત, કલ્પેશભાઈ રવીન્દ્રભાઈ ગામીત અને વાઘઝરી ગામનાં મનોજભાઈ તેમજ મગરકુઈ ગામે રહેતો રાહુલભાઈ છનાભાઈ ગામીત નાઓ સાથે મળી ડોલવણ તાલુકાનાં ગડત ગામે પાકા મકાનનું પીસીસીની મજુરી કામ કરવા માટે ગયા હતા અને કામ પૂરું કરી ગડત ગામથી રાત્રીનાં બાર વાગ્યાનાં સમયે ઘરે આવવા માટે મનોજભાઈની એકટીવા બાઈક નંબર GJ/26/P/5207માં જિગ્નેશભાઈ અને ચેમાભાઈ નાઓ સાથે ત્રણ સવારીમાં નીકળ્યા હતા અને બીજી બાઈક પર કલ્પેશભાઈ તથા રાહુલભાઈ પણ આવી રહ્યા હતા.
તે દરમિયાન રાત્રીનાં એક વાગ્યાનાં અરસામાં કપુરા ગામની સીમમાં આવતાં જોલી પેટ્રોલપંપ પાસ કરી થોડું આગળ આવતાં વ્યારા તરફથી રોંગ સાઈડે એક ટ્રક નંબર WB/11/F/5421નો ચાલક પોતાના કબ્જાનું ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી એકટીવા બાઈકને ટક્કર મારી દેતા બાઈક સહીત ત્રણેય જણા રોડ ઉપર પટકાઈ ગયા હતા જેમાં ચેમાભાઈ રોડ પર સામેની સાઈડે પડી જતાં શરીર ઉપરથી ટ્રકનું વ્હીલ ફરી જતાં સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું જયારે બાઈક પર સવાર મનોજભાઈને પણ શરીરે નાની-મોટી ઈજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે જિગ્નેશભાઈ ગામીતની ફરિયાદનાં આધારે વ્યારા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500