તાપી જિલ્લાનાં નિઝર તાલુકાનાં નવા નેવાળા ગામે થોડા સમય પહેલા પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી લીધી હતી. જોકે બંનેના મોત બાદ પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. જયારે મૃત્યુ પામનાર યુવકનું નામ ગણેશભાઈ અને યુવતીનું નામ રંજનાબેન હતું. આ બંનેએ કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ઓગસ્ટ-2022માં બંનેએ દુનિયાને અલવિદા કહ્યું હતું. હવે તેમના પરિવાર દ્વારા આદીવાસી પરંપરા મુજબ બંનેની મૂર્તિ સ્થાપી લગ્ન કરાવવામાં આવ્યા છે.
યુવક અને યુવતીની પાટલી બનાવી બંનેનાં લગ્ન કરાવવામાં આવ્યા
આપઘાતમાં મૃત્યુ પામેલા યુવક અને યુવતીની મૂર્તિ જેને આદિવાસી બોલીમાં પાટલી કહેવામાં આવે છે. પરિવારજનો દ્વારા યુવક અને યુવતીની પાટલી બનાવી બંનેના લગ્ન કરાવવામાં આવ્યા હતા. આપઘાત કરનાર ગણેશ દીપકભાઈ પાડવી (ઉ.વ.21) અને રંજનાબેન મનીષ પાડવી (ઉ.વ.20) નાઓની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ પરિવારજનોની હાજરીમાં લગ્ન કરાવવામાં આવ્યા હતા. આદિવાસી પરંપરા અનુસાર વિધિ કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર, નિઝર તાલુકાનાં નેવાળા ગામના પ્રેમી પંખીડાએ જુના નેવાળા ગામની સીમમાં ઝાડ ઉપર દોરડા વડે આત્મહત્યા કરી લીધી હતી. નિઝર તાલુકાનાં નેવાળા ગામમાં રહેતા ગણેશભાઈ પાડવી અને રંજનાબેન પાડવી એક વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. બંને લગ્ન કરવા ઈચ્છતા હતા. પરંતુ ગણેશના પિતા દીપકભાઈ આ સંબંધથી ખુશ નહોતા. ત્યારબાદ પિતાએ પુત્રને પ્રેમ સંબંધ બાબતે ઠપકો આપ્યો હતો અને આ પ્રેમી પંખીડાને ખોટું લાગી આવ્યું હતું. બંનેનાં લગ્ન થવા શક્ય ન હોવાનું લાગ્યા બાદ યુવક અને યુવતીએ આપઘાત કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500