સોનગઢનાં જેસિંગપુરા ટેકરા વિસ્તાર માંથી એક ટ્રકની કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ભાગી છૂટ્યા હતાં. બનાવ અંગે તપાસ દરમિયાન પોલીસે મહારાષ્ટ્રનાં ધુલિયાથી બે ચોરને ઝડપી પાડી ટ્રક કબ્જે લીધી હતી. મળતી માહિતી અનુસાર, સોનગઢનાં અલીફ નગર ટેકરા વિસ્તારમાં રહેતાં રવિન્દ્રભાઈ લક્ષ્મણભાઈ સુર્યવંશી નાએ ટાટાની બે ટ્રકની ખરીદી કરી હતી અને તે ટ્રકો દ્વારા માલ સામાનની હેરફેર કરી ભાડું મેળવતાં આવ્યાં છે. જોકે હાલ દિવાળીનો સમય હોય ટ્રક ચાલક પોતાના પરિવાર સાથે દિવાળી મનાવવા માટે ઘરે આવ્યો હોય આ બંને ટ્રક સોનગઢના ટેકરા વિસ્તારમાં આવેલી એક હોટેલ નજીક સર્વિસ રોડ પર પાર્ક કરી મૂકી દીધી હતી.
જોકે ગત શુક્રવારે વહેલી સવારે ચાર કલાકે ટ્રક માલિક રવિન્દ્રનો ભાઈ અને ડ્રાઈવર મહારાષ્ટ્ર તરફ ભાડું કરવા જવાના હતાં જેથી તેઓ જ્યાં ટ્રકો મૂકી હતી ત્યાં હાઇવેના સર્વિસ રોડ પર ગયા હતાં. ત્યાં જઈ તપાસ કરતાં સ્થળ પર બે ટ્રક પૈકીની એક ટ્રક નંબર GJ/26/T/5450 સ્થળ પર જોવા મળી ન હતી અને આસપાસ તપાસ કરવા છતાં મળી આવી ન હતી. બનાવ અંગે સોનગઢ પોલીસ મથકે રૂપિયા 12 લાખની કિંમતની ટ્રક કોઈ અજાણ્યા ઇસમો ચોરી કરી ગયા અંગેની ફરિયાદ સોનગઢ પોલીસ મથકે નોંધાઇ હતી.
જોકે ચોરીનાં આ બનાવ અંગે સોનગઢ પોલીસની સાથોસાથ તાપી LCBએ પણ ટીમ બનાવી ચોર ઇસમોની તપાસ હાથ ધરી હતી. દરમિયાન LCB સ્ટાફ કર્મીઓને મળેલ બાતમીના આધારે મહારાષ્ટ્રનાં ધુલિયા ખાતે રેડ કરી હતી. ત્યાંથી સોનગઢથી ચોરાયેલી ટ્રક સાથે મોસીન અબ્દુલ રહેમાન અને સમીર શાહ ફકીર શાહ (બંને રહે.હિદાયત મસ્જિદ પાસે, ધુલિયા, મહારાષ્ટ્ર)ના આરોપીઓની ગણતરીના સમયમાં અટક કરી લીધી હતી. જોકે ટ્રક ચોરીના બનાવમાં ઝડપાયેલા બંને આરોપીઓને કાયદેસરની કાર્યવાહી કરી સોનગઢ પોલીસને સોંપવામાં આવ્યા હતાં. સોનગઢ પોલીસે ચોરનો કબ્જો લઈ આ પહેલા થયેલી ટ્રક ચોરીમાં પણ તેમની સંડોવણી છે કે કેમ એ સહિતની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500