મનિષા સુર્યવંશી/વ્યારા : વ્યારા નગરનાં માલીવાડ વિસ્તારમાં આવેલ શ્રી ત્રીમૂર્તિ જવેલર્સની દુકાનમાંથી સોના-ચાંદીનાં દાગીનાની ચોરી થતાં વ્યારા પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, વ્યારા નગરનાં કાનપુર પી.એમ. પાર્ક, જનક હોસ્પિટલની પાછળ રહેતા ભુપેન્દ્રભાઈ રમણભાઈ પારેખ વ્યારાનાં માલીવાડ ખાતે શ્રી ત્રીમૂર્તિ નામની જવેલર્સની દુકાન ચલાવી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે.
જયારે ભુપેન્દ્રભાઈનાં જવેલર્સની દુકાનમાંથી શુક્રવારનાં રોજ સાંજે કોઈ અજાણ્યો ચોર ઇસમોએ દુકાનનું ઉપરનું સિમેન્ટનું પતરું તોડી નાંખી દુકાનની અંદર પ્રવેશ કરી દુકાનમાં મુકેલ દિવાલ પર લગાવેલ કાચની શો કેસમાં મુકેલ ચાંદીનાં સોનાનાં પાણી ચઢાવેલ નેકલેસ નંગ-6 જેની કિંમત રૂપિયા 18,500/- તથા બેસવાના એક ટેબલનાં ડ્રોવરમાં મુકેલ એક નંગ જોડી ચાંદીના પાયલ જેની કિંમત રૂપિયા 5,500/-, 3 પ્લાસ્ટિકના ડબ્બામાં મુકેલ ચાંદીના માદળીયા-ઘુંઘરી-પેન્ડલો અને ચાંદીની આશરે 7 નંગ ચેઈનો (વજન આશરે 450 ગ્રામ) જેની કિંમત રૂપિયા 22,300/- અને એક ટ્રેમાં મુકેલ સોનાની જળ(નોઝ પીન) નંગ 70 (વજન આશરે 12 ગ્રામ) જેની કિંમત રૂપિયા 47,500/- હતી. આમ કુલ મળી રૂપિયા 93,800/-નાં સોના-ચાંદીનાં દાગીનાંની ચોરી કરી અજાણ્યા ઇસમો ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે શનિવારનાં રોજ ભુપેન્દ્રભાઈ પારેખ નાએ વ્યારા પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમ વિરુધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500