સોનગઢનાં સાદડકુવા ગામનાં રસ્તા ઉપરથી વગર પાસ પરમીટે બાઈક પર દારૂ લઈ જતો એક યુવક ઝડપાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસો સોમવારનાં રોજ બપોરે ખાનગી વાહનમાં બેસી પ્રોહી. ગુના અંગેની રેઈડમાં નીકળેલ હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, સોનગઢથી સાદડકુવા જતાં રોડ તરફ એક બાઈક ચાલક પોતાના બાઈક પર કાપડની થેલીમાં તથા સીટ નીચે ડીકીમાં પ્રોહી. મુદ્દામાલ ભરી લાવનાર છે.
જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો સોનગઢથી સાદડકુવા રસ્તા ઉપર છુટા છવાયા વોચમાં ઉભા હતા. તે દરમિયાન સોનગઢ તરફથી સાદડકુવા ગામ તરફ જતા મેઈન રસ્તા ઉપર એકટીવા બાઈક નંબર GJ/26/K/5462ને આવતા જોઈ પોલીસે હાથનો ઈશારો કરી બાઇક ચાલકને ઉભો રાખવી બાઈક ચાલકને તેનું નામ પૂછતા તેને પોતાનું નામ, નિલેશભાઈ મકનજીભાઈ ગામીત રહે. દેવજીપુરા, સોનગઢ)નાં હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે બાઈક ચાલક પાસે મુકેલ કાપડનો થેલો અને ડીકીમાં ખોલી તપાસ કરતા તેમાંથી દેશી દારૂની કુલ 98 નંગ બોટલ મળી આવી હતી. જોકે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ મુદ્દામાલ સોનગઢ ખાતે રહેતા ભાવેશ ભરવાડ ભરાવી આપેલો હતો અને આ પ્રોહી. મુદ્દામાલ માંડળ ગામનાં પિયુષ અકનાભાઈ ગામીતએ મંગાવ્યો હતો. આમ, પોલીસે દેશી દારૂની બોટલો, 1 નંગ મોબાઈલ અને બાઈક મળી કુલ રૂપિયા 49,800/-નો મુદામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ યુવક વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500