મનિષા સુર્યવંશી/વ્યારા : સોનગઢનાં માંડલ ટોલનાકા પાસે નેશનલ હાઈવે નંબર-53 પર સોનગઢથી વ્યારા જતા ટ્રેક પરથી કારમાં લઈ જતા વિદેશી દારૂનાં જથ્થા સાથે ભાઠા ગામનું દંપતિને ઝડપી પાડવામાં આવ્યા હતા, જયારે કુકરમુંડાનાં બે શખ્સોને વોન્ટેડ જાહેર કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ગતરોજ મોડી રાત્રે ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ રાઉન્ડમાં હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક સફેદ કલરની ટાટા કંપનીની ઈન્ડીકા ફોર વ્હીલ કારમાં એક ઈસમ અને એક મહિલા કારનાં આગળ-પાછળનાં બમ્પરનાં ભાગે તથા કારમાં કલીનરની સામેના ડેસ્ક બોર્ડમાં બનાવેલા ચોરખાનામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી નવાપુર તરફથી સુરત તરફ જનાર છે.
તે બાતમીનાં આધારે તાપી એલ.સી.બી પોલીસ સ્ટાફનાં માણસો માંડલ ટોલનાકા પાસે નેશનલ હાઈવે નંબર-53 પર સોનગઢથી વ્યારા જતા ટ્રેક પર છુટા છવાયા વોચમાં ઉભા હતા. તે સમયે સોનગઢ તરફથી બાતમી વાળી કાર નંબર GJ/05/JC/0894 આવતાં જોઈ કારને કોર્ડન કરી કારને રોડની સાઈડમાં ઉભી રખાવી હતી.
ત્યારબાદ કાર ચાલકને ઉતારી તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, સુભાષભાઈ સુખાભાઈ વસાવા (રહે.27/14/50, સંસ્કાર કોલોની, તાડવાડી, રાંદેર રોડ, સુરત, હાલ રહે.પારઘીવાડ, ભાઠા ગામ, ઈચ્છાપોર, સુરત)ના હોવાનું જણાવ્યું હતું અને બાજુમાં બેસેલ મહિલાનું નામ પૂછાતા તેને પોતાનું નામ અશ્વિનીબેન સુભાષભાઈ ગામીત (રહે.પારઘીવાડ, ભાઠા ગામ, ઈચ્છાપોર, સુરત)ના હોવાનું જણાવ્યું હતું.
જોકે પોલીસે કારની તપાસ હાથ ધરતા કારમાંથી કારનાં આગળનાં તથા પાછળનાં ભાગે બમ્પરમાં તથા ક્લીનર સીટની સામેનાં ભાગે ડેસ્ક બોર્ડમાં બનાવેલ ચોરખાના માંથી વગર પાસ પરમીટે ભારતીય બનાવટની વિદેશી દારૂની પ્લાસ્ટીકની નાની-મોટી કુલ 540 બોટલો મળી આવી હતી.
પોલીસે વધુ પૂછપરચ કરતા જાણવા મળ્યું હતું કે, આ વિદેશી દારૂનો જથ્થો કુકરમુંડા ખાતે રહેતા સંદીપ અને તેનો પાર્ટનર સુરેશ જેમના પુરા નામ સરનામાની ખબર નથી તેઓ પાસેથી મેળવી પોતાની પત્નિ અશ્વિનીબેન સાથે છૂટક વેચાણ કરવા માટે લઈ જતા હતા. આમ પોલીસે કાર, 1 નંગ મોબાઈલ અને ભારતીય બનાવટની વિદેશી દારૂની પ્લાસ્ટીકની નાની મોટી કુલ 540 બોટલો જેની કિંમત રૂપિયા 54,000/- મળી કુલ રૂપિયા 1,06,000/- કબ્જે કર્યા હતા.
બનાવ અંગે પોલીસ કર્મચારી લેબજી રવીયાણીયાની ફરિયાદનાં આધારે ઝડપાયેલ દંપતી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી, જયારે કુકરમુંડાનાં બે શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500