વાલોડના અંધાત્રી ગામે રહેતા એક ખેડૂતની સંયુક્ત માલિકીની જમીનમાં રોપવામાં આવેલા 37થી વધુ સાગના વૃક્ષોનું જમીન માલિકની જાણ બહાર કાપી નાખવા બાબત ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે, વાલોડ તાલુકાના અંધાત્રી ખાતે રહેતા અરજદાર ખેડૂત કાંતિલાલભાઈ ભુવનભાઈ સોલંકીએ જિલ્લા વન અધિકારી તાપીને ઉદ્દેશીને એક અરજ કરવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, અંધાત્રી ખાતે આવેલ વડીલો પાર્જીત સંયુક્ત માલિકીની બ્લોક નંબર 320 વાળી જમીનમાં અંદાજે નાના-મોટા મળીને કુલ 100 જેટલા સાગના વૃક્ષોનું વાવેતર વર્ષો પહેલા જમીન માલિકો દ્વારા કરવામાં આવેલ હતું.
સદર જમીન બાબતે ગામના જ એક ઈસમ સાથે જમીનની માલિકી બાબતે નામદાર સિવિલ કોર્ટમાં કેસ ચાલતો હોય તથા ગત નવેમ્બર માસમાં ઉપરોક્ત માલિકની જમીનમાં શેઢા પાળા ઉપર રોપવામાં આવેલા સાગના ઝાડ પૈકી 20 જેટલા વૃક્ષોને જમીન લેવલે થડમાંથી તથા 17થી વધુ વૃક્ષોના ડાળીઓ ઉતારી તેમને કાપવાનો ઇરાદો હોવાથી ડાળીઓ જમીન માલિકની જાણ બહાર તથા કોઈપણ સક્ષમ અધિકારીની પરવાનગી વગર કાપી નાખવામાં આવેલ છે.જે અંગેની જાણ થતા તેમના દ્વારા તારીખ 16/11/2022ના રોજ મામલતદાર વાલોડને લેખિતમાં જાણ કરવામાં આવેલ હતી, પરંતુ ચૂંટણીની પ્રક્રિયાને લીધે કાર્યવાહી કરવામાં આવેલ ન હતી, ઉપરોક્ત કપાયેલા સાગ પૈકીનો કેટલાક મુદ્દા માલ હજી પણ જમીન સ્થળ પર પડેલ છે અને મુખ્ય જાડા થડ સગેવગે કરવામાં આવતા હતા, જે બાબતની યોગ્ય તપાસ કરી જમીનના ઝાડ કાપવાવાળા ઈસમની શોધખોળ કરી કડક કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે. (ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500