રાજ્યસરકાર દ્વારા ગુડ ગવર્નન્સ અંતર્ગત ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થામાં ગ્રામ્ય કક્ષા, તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાએ વિવિધ વિભાગોની અનેક જનકલ્યાણકારી યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે. જેની નોંધપાત્ર નાણાકીય ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. વિકાસના કામો છેવાડાનાં માનવી સુધી પહોંચે તે માટે જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન, સુપરવિઝન અને નિયંત્રણ હેઠળ તમામ વિભાગો દ્વારા કામો અમલીકરણ કરવામાં આવે છે.
તાજેતરમાં તાપી જિલ્લા પંચાયતનાં સભાખંડમાં જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને તથા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં 100 દિવસના લક્ષ્યાંક આધારિત ઉપરોક્ત કામગીરી અંગેની સમિક્ષા બેઠક યોજાઈ હતી. તાપી જિલ્લાની પંચાયત હસ્તકની વિવિધ યોજનાઓ જેમકે, 15માં નાણાપંચ, વિકેન્દ્ર જિલ્લા આયોજન, એટીવીટી, વિવેકાધીન પ્રોત્સાહક જોગવાઈઓ, વિકાસ તાલુકા, ધારાસભ્ય હસ્તક ફંડ, પ્રધાનમંત્રી આવાસ યોજના, મનરેગા યોજના, ડીએમએફ, રેતી કંકર યોજના અંતર્ગતના કામોને 100 દિવસના એક્શન પ્લાનમાં સમાવેશ કરવામાં આવેલ છે.
આ યોજનાઓમાં શરૂ ન થયેલા તમામ કામો આગામી તા.14મી જાન્યુઆરી 2023 પહેલા શરૂ કરવા, વિવિધ તબક્કાના પ્રગતિ હેઠળના કામો આગામી માર્ચ 2023 સુધીમાં પૂર્ણ કરવા અને ભૌતિક પ્રગતિની સાથે-સાથે ખર્ચનું ચુકવણું પણ કરવા સંબંધિત વિભાગનાં અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. આ સાથે વેરા વસુલાત અંગે જિલ્લા પંચાયત હસ્તકની પંચાયત અને મહેસુલની બાકી વસુલાત અંગે નબળી કામગીરી કરતા તલાટીઓને તાકીદ નોટિસ આપવામાં આવી હતી.
આ સાથે મોટા બાકીદારોના નામો ગ્રામ પંચાયત કચેરી ખાતે પ્રસિદ્ધ કરવા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાકીદ કરવામાં આવી હતી. અત્રે નોંધનિય છે કે, તાપી જિલ્લા પંચાયત દ્વારા વિશેષ કામગીરી સ્વરૂપે ઈ-સરકારનું અમલીકરણ, ઈ ગ્રામ સેવાઓ વધુ સુદ્દઢ બનાવવા અંગે, ગુણવત્તાયુક્ત ઘાસચારાના ઉત્પાદન, મોડેલ વિલેજ ફાર્મનું આયોજન, ગામોમાં બારમાસી તળાવમાં સખી મંડળો દ્વારા મત્સ્ય ઉછેર, આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગતના અમૃત સરોવરો, 2000થી વધુ વસ્તીનાં ગામોમાં લાઇબ્રેરી અને રમતગમતના મેદાનો જેવી મહત્વની યોજનાઓ વિશે વિસ્તૃત આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
જેમાં ઇ-સરકાર અંતર્ગત જિલ્લા પંચાયતની તમામ કચેરીઓમાં રેકોર્ડનું ક્લાસીફિકેશન અને રેકોર્ડ સ્કેનિંગની કામગીરી પૂર્ણતાના આરે છે બાકી રહેલ પ્રક્રિયા વહેલી તકે પુર્ણ કરવામાં આવશે એમ જણાવ્યું હતું. વધુમાં જિલ્લા પંચાયતની શાખાઓમાં ઇ-સરકાર વહેલી તકે લોંચ કરવાની કવાયત ઝુંબેશ રૂપે હાથ ધરાઇ છે એમ ઉમેર્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500