મનિષા સુર્યવંશી/વ્યારા : કુકરમુંડામાંથી મુંબઈથી નીકળતા વરલી મટકાનાં આંકો ઉપર જુગાર રમાડનાર ઈસમ ઝડપાતા પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ સ્ટાફનાં માણસો શુક્રવારનાં રોજ બપોરનાં સમયે ખાનગી વાહનમાં બેસી પ્રોહી. તથા જુગારની રેડમાં નીકળેલ હતા.
તે દરમિયાન ફરતા ફરતા કુકરમુંડા ગામનાં બસ સ્ટેશનનાં પાછળનાં ભાગે આવતાં ત્યાં આગળ જાહેરમાં કેટલાક ઈસમો કઈક આપ-લે કરતા હોય તેવો શક જતાં પોલીસે ત્યાં સ્થળ ઉપર જઈ રેડ કરતા કેટલાક ઈસમો પોલીસ રેડ જોઈ ભાગી છુટ્યા હતા જયારે જમીન ઉપર બેસેલ એક ઈસમ ઝડપાઈ ગયો હતો. જોકે પોલીસે તેનું નામ પૂછતા તેને પોતાનું નામ યોગેશભાઈ નરેન્દ્રભાઈ પાડવી (રહે.કુકરમુંડા)નાં હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે ઝડપાયેલા ઈસમના હાથમાંથી મિલન બજારથી નીકળતા આંકો લખેલ એક કાગળની કાપલી તથા કાર્બન પેપર, બોલપેન અને જુદા જુદા દરની ચલણી નોટો સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી ગાંડાજીભાઈ ઠાકોરની ફરિયાદનાં આધારે યોગેશ પાડવીનાં વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500