સોનગઢના જૂનવાણગામની યુવતીને સુરતના એક યુવકે પ્રેમજાળમાં ફસાવી તેની સાથે સગાઈ કરી લીધા બાદ દહેજ અંગે યુવક અને તેના માતા પિતાએ અવાર નવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતાં યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. આ સંદર્ભે સુરતના યુવક અને તેની માતા પિતા વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે દહેજ અંગે ત્રાસ આપી આપઘાત કરવા અંગેની દુષપ્રેરણાના આપવા અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે મળેલ વિગત મુજબ, સોનગઢ તાલુકાના જુનવાણ ગામમાં ડુંગરી ફળિયામાં રહેતાં ગોવિંદભાઈ રામજીભાઇ ગામીત ખેતી કરે છે. તેમની મોટી દીકરી અમિતા ગામીત ગત 2020માં ધોરણ 12નો અભ્યાસ પૂર્ણ કર્યા પછી નર્સિંગનો કોર્સ કરવા માટે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલ માં જોડાઈ હતી.
આ દરમિયાન હોસ્પિટલ નજીક જ આવતાં જતાં રહેતાં નીરજ જગદીશભાઈ પરમાર હાલ રહે.રામનગર, રાંદેર, સુરત સાથે તેનો પરિચય થયો હતો જે પાછળથી પ્રેમમાં પરિણમ્યો હતો. આ અંગે અમિતા બહેને માતા પિતાને જાણ કરતાં યુવક અને યુવતીના સગાની હાજરીમાં સહમતીથી બંનેની સગાઈ કરી દેવામાં આવી હતી. આ સગાઈ એકાદ વર્ષ ટકી હતી અને આ સમય દરમિયાન યુવક અને યુવતી એક બીજાના ઘરે જતાં હતાં. એ પછી ગત વર્ષે અચાનક સાસરિયાં ના અને ભાવિ પતિ ના સુર બદલાયા હતાં અને તેમણે અમિતા ને દહેજ લાવવા બાબતે દબાણ કરવા માંડ્યું હતું અને આ જ બાબતે તેને પતિ એ માર મારી શારીરિક અને માનસિક ત્રાસ આપવા માંડ્યા હતાં.
જ્યારે સાસરિયાં દ્વારા તું દહેજ ન લાવી શકે તો તું મરી જા પણ અમારો પીછો છોડ એવું કહી અવારનવાર ત્રાસ આપ્યો હતો.ગત તા.6/1/21 ના રોજ નીરજ ના પિતા એ ફરિયાદી ગોવિંદભાઈ ગામીત ને ફોન કરી અમિતા અને નીરજ ના છૂટાછેડા બાબતે વાતચીત કરી હતી ત્યારે ગોવિંદભાઈ એ કહ્યું કે સમાજ ના લોકો ભેગા થઈ આ અંગે નિર્ણય લઈશું. જોકે શરૂ થયેલી આ સમગ્ર ગતિવિધિ ને કારણે અમિતા બહેન હતાશામાં સરી ગયા હતાં અને ગત 9/1/21 ના રોજ પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી દીધું હતું.આ અંગે એક વર્ષ બાદ આપઘાત કરનાર યુવતીના ભાવિ પતિ નીરજ જગદીશ પરમાર,જગદીશ હીરા પરમાર અને રમીલા જગદીશ પરમાર રહે.રામનગર સુરત સામે સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગોવિંદભાઈ એ તાપી એસપી ને 5/2/21 અને 18/6/21 ના રોજ રૂબરૂ મળી રજુઆત કરી હતી આમ છતાં પરિણામ મળ્યું ન હતું.આખરે એક વર્ષ ની દોડ ધામ બાદ સોનગઢ પોલીસે ત્રણ આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500