Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલનાં બેડકીનાકા પાસેથી ટ્રકમાં બનાવેલ ચોરખાનાઓમાંથી 573 કિલો ગાંજાનાં જથ્થા સાથે 3 ઈસમો ઝડપાયા

  • February 21, 2023 

ઉચ્છલનાં બેડકીનાકા પાસેથી રવિવારના રોજ ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. ટ્રકમાં હેરફેર થતો 573 કિલો ગાંજાના જથ્થા સહિત કુલ રૂપિયા 64,33,000/-નો મુદ્દામાલ કબજે લઈ પોલીસે ગાંજાની સાથે પકડાયેલા ત્રણ આરોપીઓ સહિત ગાંજાનો જથ્થો મંગાવનાર અને મોકલનાર અન્ય ત્રણ એમ કુલ છ આરોપીની સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત પોલીસને ખાનગી બાતમી મળી હતી કે, ઓરિસ્સાથી ટ્રક નંબર PB/02/BN/9566માં ગાંજાનો મોટો જથ્થો હૈદરાબાદ થઇ ગુજરાતમાં મહારાષ્ટ્રના નવાપુરને અડીને આવેલ ઉચ્છલ ચેકપોસ્ટ થઈને અમદાવાદ તરફ જવાનો છે.






આ બાતમીને લઈને સુરત પોલીસ કમિશ્નર અને રેન્જ આઇજી પિયુષ પટેલ એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. અને તેમના માર્ગદર્શનના આધારે તાપી એસઓજીના પીઆઇ વાય.એસ. શિરસાઠ અને સુરત ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ જે. બી. આહીરની ટીમો ઉચ્છલના બેડકી નાકે બાતમી વાળી ટ્રકને પકડવા ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન આ ટ્રક બેડકીનાકા ઉપર આવતા પોલીસની ટીમે તેને રોકી તેમાં તપાસ આદરી હતી. તાપીના જિલ્લાના એસઓજી અને સુરત જિલ્લા ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત ઓપરેશનમાં ઉચ્છલના બેડકી નાકા નજીકથી બાતમીના આધારે ટ્રકમાં બનાવેલા અલગ અલગ ચોરખાનાઓમાં 573 કિલો ગાંજાનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવાની પેરવી કરતા ટ્રક સાથે 3 ઈસમોને ઝડપી પાડયા હતા. પોલીસે ટ્રકમાં સવાર ત્રણ લોકોને ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધા હતા.








ગાંજાનો જથ્થો ઓરિસ્સાથી અમદાવાદ તરફ લઇ જવાઈ રહ્યો હતો. ઓરિસ્સાથી અમદાવાદ લઈ જવાતો 573 કિલોના ગાંજા જથ્થા સાથે પંજાબ રજીસ્ટ્રેશન વાળી ટ્રકને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતાની સાથે ઉચ્છલના બેડકી નાકા પાસે તાપી એસઓજી તેમજ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી ટ્રકમાં સવાર પંજાબના અમૃતસરના અવતારસિંગ લખવિન્દરસિંગ સંધુ, ગુરજીતસિંગ મંગલસીંગ સોહતે અને તરનતારાના રહેવાસી કિશનસીંગ દલજિતસિંગ સોનીપંદરને પણ ઝડપી લીધા હતા. આ ત્રણેયની પૂછપરછમાં આ ગાંજાનો મસમોટો જથ્થો તેઓને મૂળ ઓરિસ્સાના અને હાલ સુરતમાં રહેતા વિજય અશોક કુલપતિએ મંગાવ્યો હતો અને ઓરિસ્સાના રંગનાથ નાયકે ગાંજાના જથ્થાને મોકલ્યો હતો અને આ જથ્થો દિલબાગસિંગ ઉર્ફે બગ્ગાએ સબેસીંગ હરિસિંગની ટ્રકમાં ભરાવ્યો હતો.







જોકે ટ્રક સાથે ઝડપાયેલા ત્રણ આરોપીઓએ સમગ્ર નેટવર્ક ખુલ્લું કરી દેતા સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં વિજય કુલપતિ, દિલબાગસિંગ ઉર્ફે બગ્ગા અને સબેશીંગને ઝડપી જેલહવાલે કરી દીધા છે. આ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર વિજય કુલપતિ અગાઉ રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એનડીપીએસ એક્ટ હેઠળ 350 કિલો ગાંજા અને આણંદ જિલ્લાના વિરસદ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ 2024 કિલો ગાંજાના કેસમાં ઝડપાયો હતો. હાલ નશાનો કાળો કારોબાર ચલાવતા 6 આરોપીઓને તાપી પોલીસની લોકઅપમાં રાખવામાં છે. જેમાંથી પ્રથમ ત્રણ આરોપીના કોર્ટે વધુ તપાસ અર્થે 14 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હોવાનું જાણવા મળ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application