મનિષા સુર્યવંશી/વ્યારા : વાલોડનાં બુહારી ખાતેની બી.ટી. એન્ડ કે.એલ. ઝવેરી સાર્વજનિક હાઈસ્કુલનાં ઓફિસમાંથી રૂપિયા 1.31 લાખથી વધુની ચોરી થતાં વાલોડ પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, વાલોડ તાલુકાનાં બુહારી ખાતે આવેલ બી.ટી. એન્ડ કે.એલ. ઝવેરી સાર્વજનિક હાઈસ્કુલમાં બુકાની ધારી ચાર અજાણ્યા ચોર ઈસમો શુક્રવારનાં રોજ રાત્રીનાં સમયે હાઈસ્કૂલની કમ્પાઉન્ડની દીવાલ કૂદી અંદર પ્રવેશ કરી માધ્યમિક કાર્યાલયની ઓફિસ તથા પ્રાથમિક આચાર્ય ઓફિસનાં દરવાજાને લગાવેલ તાળા તથા દરવાજાનાં નકુચા કોઈક ચીજ વસ્તુથી તોડી ઓફિસનાં મકાનની અંદર પ્રવેશ કર્યો હતો.
જોકે પ્રવેશ કરી ઓફિસ ટેબલનાં ડ્રોવર અને કબાટનાં દરવાજા તોડી અંદર મુકેલ 2 નંગ લેપટોપ જેની કિંમત રૂપિયા 25,000/- તથા વિદ્યાર્થીઓના ફી તથા ફાળાનાં રોકડા રૂપિયા 1,06,655/- મળી કુલ રૂપિયા 1,31,655/-ની ચોરી કરી અજાણ્યા ચોર ઈસમો ફરાર થઈ ગયેલ હતા જોકે ચોરીની આ તમામ ઘટના સ્કુલનાં કમ્પાઉન્ડમાં લગાવેલ CCTV ફૂટેજ કેદ થઈ હતી. બનાવ અંગે હાઈસ્કુલનાં પ્રિન્સીપલ અશોકભાઈ ઝીનાભાઈ પટેલ (રહે.ઓરણા ગામ, લુહાર ફળિયું, તા.કામરેજ, જિ.સુરત) નાએ શનિવારનાં રોજ વાલોડ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500