પલસાણા તાલુકાનાં તાંતીથૈયા ગામે બે પક્ષ વચ્ચે લાકડી અને તીક્ષ્ણ હથિયાર લઈ સામસામે આવી જતા એક યુવકને ચપ્પુ વાગવાથી મોત નીપજ્યું હતું. જ્યારે સામે પક્ષે એક યુવકને જીવલેણ ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશનાં અને હાલ કડોદરા GIDC પોલીસ મથક વિસ્તારનાં તાંતીથૈયા ગામે પ્રિયંકાગ્રીન સીટીમાં રહેતો ઓમપ્રકાશ ધર્મેન્દ્ર હજારીલાલ આરક (ઉ.વ.19) જેઓ ગત તા.18મી ઓક્ટોબરનાં રોજ તેના કાકા ભાઈ સૂરજ ઉર્ફે શિવમ લલ્લુસિંગ ઠાકોર સાથે કડોદરા બજારમાં ફરવા માટે ગયો હતો.
તે સમયે બંને વચ્ચે ઝઘડો થતાં હર્ષદ મિલમાં નોકરી કરતા રણજિતકુમાર નામના ઇસમે બંનેને કેમ બજારમાં ગુંડાગીરી કરો છો એમ કહી ગાળો આપી હતી. ત્યારબાદ બંને રૂમ પર જતાં રહ્યાં હતાં. ત્યારબાદ ગત તા.21મી ઓક્ટોબરનાં રોજ ઓમપ્રકાશ શાકભાજી ખરીદવા માટે જતા ત્યાં રણજિતકુમારે તેને બે ત્રણ થપ્પડ મારી દીધા હતા. ઓમપ્રકાશે આ વાત તેના ભાઈ સૂરજને કહેતા તેણે રણજિતનો ફોન નંબર મેળવી સમાધાન માટે મળવા બોલાવ્યો હતો. રણજીતે હર્ષદ મિલ પાસે મળવા બોલવાતા ઓમપ્રકાશ, તેનો ભાઈ સૂરજ ઉર્ફે શિવમ, મિત્ર અનુજ, અમન તિવારી ધીરજ સરોજ, અર્પિત તથા ભાવેશ સાથે ગયા હતા. ત્યાં જતા જ રણજીતે પણ તેના માણસો બોલાવતા બંને જૂથ વચ્ચે લાકડાનાં ફટકા સાથે મારામારી થઈ હતી.
જેમાં સૂરજ (ઉ.વ.19) નાને માથાનાં ભાગે ફટકા મારતા ઇજા પહોંચી હતી. જ્યારે ધીરજને પણ કમરમાં ઇજા થઇ હતી અને ગંભીર ઇજા થતાં સૂરજને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ મારામારી દરમિયાન સામેનાં જૂથમાં રણજિતકુમાર તેના કારીગર મનોજ, અજિત અને પ્રકાશ સાથે આવ્યો હતો. ઓમપ્રકાશે રણજિતને લાકડાનાં સપાટો મારતા ઇજા થઇ હતી. આ દરમિયાન રણજિતનાં બચાવમાં આવેલો ભંગારનો ધંધો કરતો બુદ્ધપ્રકાશને પકડીને માર મારવા લાગ્યા હતા.
જોકે ધીરજ સરોજે બુદ્ધિ પ્રકાશ પર ચપ્પુથી હુમલો કરતા તે બેભાન થઈ નીચે પડી ગયો હતો. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલ બાદ નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તેનું મોત થયું હતું. સમગ્ર ઘટના અંગે પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી હતી. ઓમપ્રકાશની ફરિયાદના આધારે રણજિત કુમાર સહિત આઠ થી દસ જણા વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને રણજીતની ફરિયાદના આધારે ઓમપ્રકાશ, સુરજ ઉર્ફે શિવમ ઠાકુર, અર્પિત, ભાવેશ, અનુજ, અમન તિવારી અને ધીરજ સરોજ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500