સુરતનાં છપરાભાઠા વરીયાવ તાડવાડી પાસે આશરે 50 ફૂટ લાંબુ ઝાડ તૂટીને પડ્યું હતું જેથી ત્યાં રહેલા 3થી 4 ઘરોનાં પતરા અને દીવાલ તૂટી ગઈ હતી. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને થતા ઝાડને 3 ભાગમાં કાપીને દુર કર્યું હતું. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. હવામાન વિભાગની આગાહીનાં પગલે સુરત શહેરનાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જયારે રાત્રીનાં સમયે ગાજવીજ સાથે શહેરના કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યું હતું તેમજ ભારે પવન પણ ફુંકાઈ રહ્યો હતો.
ત્યારે ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, છાપરાભાઠા તાડવાડી સ્થિત મધર ટેરેસા હોસ્પિટલની સામે આશરે 50 ફૂટ લાંબુ તાડનું ઝાડ એકાએક તૂટીને ત્યાં રહેલા ઘરો પર પડ્યું હતું. ઝાડ એકાએક તૂટીને પડતા ત્યાં રહેલા 3થી 4 ઘરોનાં પતરા અને દીવાલોને નુકશાન થયું હતું. જયારે ધડાકાભેર ઝાડ 3થી 4 ઘરો પર પડતા અને પતરા તૂટી જતા ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
બીજી તરફ રહીશો પણ જાગી ગયા હતા અને બનાવની જાણ ફાયર વિભાગને કરી હતી. ફાયર ઓફિસર જણાવ્યું હતું કે, વહેલી સવારે ફાયર કંટ્રોલ રૂમમાં કોલ મળ્યો હતો. જેથી અમારી કોસાડ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને ઘટના સ્થળે જઈને જોયું તો આશરે 50 ફૂટનું તાડનું ઝાડ તૂટીને 3થી 4 ઘરો પર પડ્યું હતું. જેથી ઘરોના સિમેન્ટનાં પતરા અને દીવાલોને નુકશાન થયું હતું. ત્યારબાદ અમે ઝાડને 3 ભાગમાં કટિંગ કરીને ઘરોને વધુ નુકશાન ન થાય તે મુજબ ગાડીથી ખેંચીને ધીમે ધીમે નીચે ઉતાર્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500