સુરત ક્રાઈમ બ્રાન્ચે રાત્રે હિમાચલ પ્રદેશથી ચરસ લઈ સુરત સ્ટેશને ટ્રેનમાંથી ઉતરેલા અડાજણનાં યુવક-યુવતીને રેલવે સ્ટેશન બહારથી 79.240 ગ્રામ ચરસ સાથે ઝડપી લીધા હતા. જોકે બંનેએ ચરસ પોતાના ઉપયોગ માટે કુલુ ખાતે બ્રિજ નજીક કેફેની દુકાનવાળા નેપાળી જેવા દેખાતા ચાચા પાસેથી લાવ્યાની કબૂલાત કરી હતી. ક્રાઈમ બ્રાન્ચનાં સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર, સુરત રેલવે સ્ટેશનની બહાર વોચ ગોઠવી હતી અને 8.30 વાગ્યે ચંદીગઢથી ગોવા જતી સંપર્ક ક્રાંતિ ટ્રેન આવ્યા બાદ રેલવે સ્ટેશનનાં પાર્કીંગમાંથી બહાર નીકળેલ બાતમી મુજબનાં યુવક-યુવતી નજરે ચઢતા તેમની અટકાયત કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચે તેમને નજીકની ટ્રાફિક પોલીસ ચોકીમાં લઈ જઈ તેમની બેગની જડતી લેતા યુવાન શ્રેયાંસ રાકેશભાઈ ગાંધી (ઉ.વ.23, રહે.સી/13/14,હનીપાર્ક સોસાયટી, હનીપાર્ક રોડ, અડાજણ, સુરત) પાસેની બેગમાં કપડાં વચ્ચે પ્લાસ્ટીકની પારદર્શક ઝીપ બેગમાંથી તેમજ યુવતી પ્રીતિ જીતેન્દ્રભાઈ પટેલ (ઉ.વ.20, રહે.ઘર નં.5, શિવમ સોસાયટી, પ્રાઈમ આર્કેડ પાસે, અડાજણ, સુરત) પાસેની બે બેગમાં કપડાં વચ્ચે પ્લાસ્ટીકની બે પારદર્શક ઝીપ બેગમાંથી કુલ 79.240 ગ્રામ ચરસનો જથ્થો મળ્યો હતો.
જોકે ક્રાઈમ બ્રાન્ચે બંનેની અટકાયત કરી તેમની પાસેથી રૂપિયા 11,886/-નાં ચરસ ઉપરાંત રૂપિયા 45 હજારનાં 2 નંગ મોબાઈલ અને રોકડા રૂપિયા 1,080 મળી કુલ રૂપિયા 59,996/-નો મુદ્દામાલ કબ્જે કરી પુછપરછ કરતા તેમણે ચરસ પોતાના ઉપયોગ માટે કુલુ ખાતે બ્રિજ નજીક કેફેની દુકાનવાળા નેપાળી જેવા દેખાતા ચાચા પાસેથી લાવ્યાની કબૂલાત કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે આ અંગે મહિધરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500