બારડોલીના કડોદ ગામના અને હાલમાં બાબેન ખાતે રહેતા સિંચાઈ વિભાગના કર્મચારી અને તેની પુત્રીનું કારમાં અપહરણ કરતા પંથકમાં ચકચાર મચી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બાબેન ગામનાં શુકન રેસીડેન્સીમા રહેતા અરૂણાબેન પ્રદીપભાઈ ભીખુભાઈ ભાવસારના પુત્ર જેનીશ ભાવસારે બારડોલીના બામણી ગામે રહેતા અને મુળ રાજસ્થાની ધર્મેશભાઈ દયાળભાઈ ગુજ્જર પટેલની છોકરી ચાંદની ગુજજર સાથે પ્રેમસંબંધ હતો જેથી બંનેએ કોર્ટ મેરેજ કરી લીધા હતા. જેનાથી ચાંદનીના પિતા ધર્મેશભાઈ દયાળભાઈ ગુજ્જર અને સગાઓ નારાજ થયા હતા.
જેથી તેમણે ચાંદનીને પાછી સોંપી દેવા અરૂણાબેન ભાવસાર અને તેના પતિ પ્રદીભાઈ ભાવસારને વારંવાર દબાણ કરતા હતા. પરંતુ તેઓ નહીં માનતા ચાંદનીના પિતા ધર્મેશભાઈ અને તેમના ભાઈઓ સુખદેવભાઈ (રહે.શીંગોદ ગામ, તા.બારડોલી, જિ.સુરત), હીરાલાલ (રહે.કડોદ ગામ, તા.બારડોલી, જિ.સુરત) અને ચાંદનીના ફુવા નારાયણ હરદેવભાઈ ગુજ્જર (રહે.ઉમરસાડી ગામ, તા.માંડવી, જિ.સુરત) બળજબરીથી પ્રદીપભાઈ ભાવસાર (ઉ.વ.૫૮) અને તેમની પુત્ર અંકિતા (ઉ. વ.૨૯)નું બાબેન ઉમરાખ અને મોતા ગામ વચ્ચે આવેલા મેક્સ મોલ આગળથી એક કારમાં અપહરણ કરી ગયા હતા. જયારે વધુમાં જાણવા મળ્યું છે કે, છેલ્લા ઘણા સમયથી આ ગુજજરો ચાંદની અને જેનીશની હત્યા કરવા માંગતા હતા. તેમજ યુવતીના પિયેરીયાઓ બહારના ગુંડા રોકી છેલ્લા ઘણા સમયથી આ ભાવસાર પરિવારને ધમકીઓ આપતા હતા. બનાવ અંગે અરૂણાબેન ભાવસારે બારડોલી પોલીસ ઉપરાંત સુરત જિલ્લા પોલીસ સુધી ફરિયાદ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500