સુરતનાં અઠવાલાઇન્સ વિસ્તારની કોલેજમાં હાલ ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીને અગાઉ સોસાયટીમાં જ રહેતા યુવકે અવારનવાર પીછો કરી લગ્ન કરવા દબાણ કરી ધમકી આપતા ડીંડોલી પોલીસે ગુનો નોંધી યુવકને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રનાં વતની અને હાલ બારડોલી ખાતે રહેતા શ્રમજીવીની 20 વર્ષીય પુત્રી નેહલ (નામ બદલ્યું છે) હાલ સુરતના અઠવાલાઇન્સ વિસ્તારની એક કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે.
જયારે શ્રમજીવીનું પરિવાર ત્રણ વર્ષ અગાઉ સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતું હતું ત્યારે સામેની બિલ્ડીંગમાં રહેતા મારૂતિ ઉર્ફે રાહુલ સાથે નેહલની સોશ્યલ મીડિયા મારફતે મિત્રતા થઈ હતી. જોકે ત્યારબાદ નેહલને જાણ થઈ હતી કે, મારૂતિ ઉર્ફે રાહુલની વર્તણુંક સારી નથી આથી તેણે વાતચીત બંધ કરી દીધી હતી. બે વર્ષ અગાઉ તેઓ ત્યાંનું મકાન ખાલી કરી ડીંડોલીમાં જ અન્ય સ્થળે રહેવા ગયા હતા.
દોઢ મહિના અગાઉ નેહલ મોપેડ લઈ કોલેજ જતી હતી ત્યારે મારૂતિ ઉર્ફે રાહુલ કારમાં પાછળ પાછળ આવ્યો હતો અને હોર્ન મારી નેહલને કારમાં બેસી વાત કરવા કહ્યું હતું. નેહલે ના પાડતા મારૂતિ ઉર્ફે રાહુલે મારે તારી સાથે લગ્ન કરવા છે તેમ કહેતા નેહલે ઈન્કાર કરતા તેણે ધમકી આપી હતી કે, તને શાંતિથી રહેવા નહીં દઉં. થોડા દિવસ બાદ મારૂતિ ઉર્ફે રાહુલ નેહલની સોસાયટીમાં આવ્યો હતો અને નેહલના ભાઈને મળી લગ્નની વાત કરતા તેમની વચ્ચે ઝઘડો થયો હતો.
ત્યારબાદ તે સતત પીછો કરતો હોય નેહલનો પરિવાર ઘર ખાલી કરી બારડોલી રહેવા ચાલ્યો ગયો હતો. તેમ છતાં મારૂતિ ઉર્ફે રાહુલ નેહલની માતા અને ભાઈને ફોન કરી લગ્ન કરાવવા દબાણ કરી જો ના પાડે તો જાનથી મારી નાંખવાની ધમકી આપતો હોય છેવટે નેહલે મારૂતિ ઉર્ફે રાહુલ વિરુદ્ધ ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500