બારડોલી-નવસારી સ્ટેટ હાઈવે પર બારડોલીનાં છેલ્લા ગામ નોગામા-પારડી રોડ પર એક્સપ્રેસ હાઈવે પર ઓવર બ્રિજનાં નિર્માણ સ્થળ પાસે રાત્રે દમણ તરફથી દારૂ ભરીને બારડોલી તરફ આવી રહેલી દારૂ ભરેલી ઈકો કાર પલટી જતાં બુટલેગરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે કાર ચલાવતો અન્ય બુટલેગર ફરાર થઈ ગયો હતો. આમ, પોલીસે રૂપિયા 48,750/-ની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાત્રે દમણથી દારૂ ભરીને નવસારી થઈ પુરઝડપે બારડોલી તરફ આવી રહેલી દારૂ ભરેલી ઈકો ગાડી નંબર DD/03/H/0117ના ચાલકે નોગામા-પારડી ગામ પાસે એક્સપ્રેસ હાઈવેનાં ઓવર બ્રિજના નિર્માણ સ્થળ પાસે બેદરકારીથી હંકારતા કાર પલટી ગઈ હતી. કારમાં બેઠેલો એક બુટલેગર બ્રિજેશભાઈ જગદીશભાઈ પટેલ (રહે.કાકડભટ્ટી, જિ.વલસાડ)નું મોત નીપજ્યું હતું. જયારે પોલીસે પલટી ગયેલી દારૂ ભરેલી ગાડીમાંથી ટીન બિયર અને વિદેશી બ્રાન્ડની દારૂની નાની મોટી 361 બોટલ જેની કિંમત રૂપિયા 48,750/- અને 3.50 લાખની ઈકો ગાડી મળી કુલ રૂપિયા 3,98,750/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ દારૂ ભરેલી ગાડીનાં નંબર પ્લેટને આધારે ગાડીની માલિકી સ્નેહલભાઈ શૈલેષભાઈ પટેલ (રહે.દમણ)નાં નામે બોલે છે. દારૂની ખેપ મારનાર અન્ય બુટલેગર ભાગી છૂટ્યો હોવાની પોલીસને શંકા છે. પોલીસે દારૂની હેરાફેરી અને અકસ્માત એમ બે પ્રકારની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500