સુરતના ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલા ઠગાઈના ગુનામાં નવ વર્ષથી વોન્ટેડ આરોપીને ડીસીપી ઝોન 2 એલ.સી.બી. સ્ક્વોડે રાજસ્થાનના સુરજપુરના જંગલમાંથી ઝડપી લીધો હતો. ફરિયાદ નોંધાતા વતન ભાગી ગયેલા વેપારીએ ઘરથી 18 કી.મી દૂર કરિયાણાની દુકાન અને એલ.આઇ.સી.ની એજન્સી શરૂ કરી હતી અને માત્ર રાત્રે જ ઘરે જતો હતો. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ નવ વર્ષ અગાઉ વેપારી સુનિલ જૈન રૂપિયા 14 લાખનું ગ્રે કાપડ ખરીદી પેમેન્ટ કર્યા વિના ફરાર થઈ જતા તેના વિરુદ્ધ ખટોદરા પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી.
સ્થાનિક પોલીસે તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી. પરંતુ તે ઝડપાયો ન હોતો. દરમિયાન, ડીસીપી ઝોન 2 એલ.સી.બી. સ્ક્વોડના એ.એસ.આઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલએ તેની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, સુનિલ જૈન તેના ગામ સુરજપુરથી 18 કી.મી દૂર કરિયાણાની દુકાન અને એલ.આઇ.સી.ની એજન્સી ધરાવે છે અને રાત્રે જ પોતાના ઘરે જાય છે. કોઈ તેના ઘરે જાય ત્યારે માત્ર તેની પત્ની જ મળતી હોય તેના વિશે કોઈ માહિતી મળતી નહોતી. આથી ડીસીપી ઝોન 2 એલ.સી.બી. સ્ક્વોડે રાજસ્થાનના ભીંડર પહોંચી સુનિલ પ્રકાશ જૈન (ઉ.વ.42, રહે.ઘર નં.86, સુરજપુર, તા.ભીંડર, જી.ઉદયપુર, રાજસ્થાન)ના ઘર અને દુકાને વોચ ગોઠવી હતી. જોકે તેની દુકાન બંધ હતી અને તે ઘરે હોવાની જાણ થતા ઘરે પહોંચી તો તે ત્યાં પણ નહોતો. આથી તેની સાથે સ્થાનિક પોલીસ પાસે વાત કરાવી તેનું લોકેશન ટ્રેસ કરતા તે ચાર કી.મી દૂર જંગલમાં હતો. પોલીસે બાઈક પર જંગલમાં જઈ તેને બે મિત્રો સાથે શોધી કાઢી ઝડપી લીધો હતો. યોગ્ય કાર્યવાહી બાદ તેને સુરત લાવી ઝોન 2 એલ.સી.બી. સ્ક્વોડે તેનો કબ્જો ખટોદરા પોલીસને સોંપ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500