સુરત શહેરનાં ગોડાદરા વિસ્તારમાં ટેમ્પો અને મોપેડ વચ્ચે ગંભીર અકસ્માત બન્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. જોકે પૂરઝડપે આવતા ટેમ્પો ચાલકે એક્ટીવા સવાર દંપતીને અડફેટે લીધા હતા. આ ગંભીર અકસ્માતમાં એક્ટીવા ચાલક ગોપાલભાઈ મકવાણાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના અંગે ગોડાદરા પોલીસે ગુનો નોંધી ટેમ્પો ચાલકની ધરપકડ કરી હતી.
બનાવની વિગત એવી છે કે, ગોડાદરાનાં ધ્રુવ પાર્ક નજીક ટેમ્પો અને એક્ટીવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. 42 વર્ષીય ગોપાલભાઈ અને તેમના પત્ની સાથે એક્ટીવા પર ઘરે જઈ રહ્યા હતા. ત્યારે ધ્રુવ પાર્ક પાસેથી પસાર થતા હતા દરમિયાન સામેથી આવતા ટેમ્પો નંબર GJ/05/8554નાં ચાલકે અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જ્યો હતો.
જેમાં એકટીવા ચાલક ગોપાલભાઈ મકવાણાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પત્નીને હાથ અને પગનાં ભાગે ગંભીર પહોંચી હતી. અકસ્માતને પગલે ગોડાદરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ઘટનાને પગલે તાત્કાલિક ગોપાલભાઈ અને તેમના પત્નીને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યારે ઘટના સ્થળેથી ટેમ્પો કબ્જે કરી ચાલકની ધરપકડ કરી લેવામાં આવી હતી. બનાવ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
જોકે ગોપાલભાઈ મકવાણા તેમની પત્ની સાથે ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન તેઓ અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માતમાં 42 વર્ષીય ગોપાલભાઈનું ઘટના સ્થળે મોત નીપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. ગોપાલભાઈના પરિવારમાં બે બાળકો છે અને આ પરિવારનો આધાર સ્તંભ ગોપાલભાઈ પોતે હતા. ત્યારે ગોપાલભાઈનું મોત નીપજતા પરિવારમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500