કામરેજ તાલુકાનાં કોળી ભરથાણા ગામે વીજળી પડતા પાંચ લોકોને ઇજા થઈ હતી. વરસાદની આગાહી વચ્ચે જિલ્લાનાં તમામ તાલુકાઓમાં ઓછો વધતો વરસાદ વરસી રહ્યો છે. કામરેજનાં કોળી ભરથાણા ગામે વરસાદથી બચવા એક વૃક્ષની નીચે પાંચ લોકો ઉભા હતા. તે દરમિયાન ધોધમાર વરસાદમાં વીજળી વૃક્ષ પર પડતા પાંચેય લોકોને ઈજાઓ થઈ હતી અને તમામ સ્થળ પર જ બેભાન થઈ ગયા હતા.
જોકે આ પાંચેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓની સ્થિતિ સારી હોવાનું જાણવા મળી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેની અસર સુરત જિલ્લામાં પણ જોવા મળી હતી. જિલ્લાના તમામ તાલુકાઓમાં ગતરોજ સવારથી ભારે પવનની સાથે વરસાદી માહોલ જામ્યો હતો.
ત્યારે ધોધમાર વરસાદ વચ્ચે કામરેજ તાલુકાનાં કોળી ભરથાણા ગામ ખાતે વીજળી પડી હતી જેથી કોળી ભરથાણા હળપતિ વાસમાં વરસાદથી બચવા માટે બે યુવાન, એક યુવતી તેમજ બે સગીર એક વૃક્ષ નીચે ઉભા હતા. ત્યારે અચાનક વૃક્ષ પર વીજળી પડી હતી. વીજળી પડતાની સાથે પાંચેય ઈસમો ઈજાઓ સાથે બેભાન થઈ ગયા હતા.
જયારે ગ્રામજનોને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક સ્થળ પર એકત્ર થયા હતા અને 108ની મદદથી તમામને ખોલવડ ખાતે આવેલ દિનબંધુ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તમામની સ્થિતિ હાલ સારી હોવાનું જાણવા મળી રહ્યું છે.(ફાઈલ ફોટો)
ઇજાગ્રસ્ત લોકોનાં નામ
1.રીંકલબેન શંકરભાઈ રાઠોડ (ઉ.વ.20),
2.રોહિતભાઈ છનાભાઈ રાઠોડ (ઉ.વ.17),
3.મનોજભાઈ અરવિંદભાઇ રાઠોડ (ઉ.વ.24),
4.રવિ કાળુંભાઈ રાઠોડ (ઉ.વ.5) અને
5.રાહુલભાઈ સુનિલભાઈ વાઘેલા (ઉ.વ.21).
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500