દેશમાં ભરઉનાળે વરસાદ કાળ બન્યો છે. એવામાં એક તરફ સખત ગરમી છે અને બીજી તરફ વરસાદનો કહેર છે. દેશભરમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. પશ્ચિમી વિક્ષોભ સક્રિય છે, તેની અસર જોવા મળી રહી છે. ઘણાં રાજ્યોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ધૂળની આંધી ફૂંકાઈ હતી અને વરસાદ પડ્યો હતો. જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ હતી અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત 10 એપ્રિલે યુપી-બિહારમાં વાવાઝોડાને કારણે 83 લોકોના મોત થયા હતા. આમાંથી 61 બિહારથી અને 22 યુપીમાં થયા હતા.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે પણ જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, કેરળ, તમિલનાડુ, આસામ, મેઘાલયમાં તોફાની પવન સાથે વીજળી પડવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. તેમજ આગામી બે દિવસ હવામાન આવું જ રહેવાની શક્યતાઓ છે. તારીખ 12 એપ્રિલનાં રોજ ગુજરાત, મધ્યપ્રદેશમાં તાપમાન 40-45 ડિગ્રીની આસપાસ રહેશે. તેમજ દિલ્હી-એનસીઆરમાં 38-40 ડિગ્રી રહેશે. જયારે હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, આસામ, મેઘાલય, કેરળ અને તમિલનાડુમાં હળવોથી મધ્યમ વરસાદની શકયતા છે.
ત્યારે રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાનના 20 જીલ્લામાં એલર્ટ જરી કરવામાં આવ્યું છે. હિમાચલ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડમાં વીજળી અને ગાજવીજ સાથે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. રાજસ્થાન-ગુજરાતમાં પારો 42-43 ડિગ્રી સુધી પહોંચશે, દિલ્હીમાં 37-39 ડિગ્રી રહેશે. જ્યારે પંજાબ, હરિયાણા, દિલ્હીમાં હળવો વરસાદ આવી શકે છે. જ્યારે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે તોફાની સંભાવના છે. તો ઉત્તરાખંડ, બિહાર અને ઓડિશામાં વીજળી પડવાની શક્યતા રહેશે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં પણ હવામાનમાં ફેરફાર જોવા મળ્યો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500