Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉમરાખની વિદ્યાભારતી ટ્રસ્ટ કોલેજ ઓફ ફાર્મસીનાં પ્રોફેસરને કોર્ટે ચેક રિટર્ન કેસમાં બે વર્ષની સજા ફટકારી

  • April 11, 2025 

રૂપિયા ૧.૫૦ લાખનાં ચેક રિટર્ન થવાના ગંભીર ગુન્હામાં બારડોલીની અદાલતે ઉમરાખ સ્થિત વિદ્યાભારતી ટ્રસ્ટ કોલેજ ઓફ ફાર્મસીના પ્રોફેસર નિકુંજભાઈ રતિલાલ સોલંકી (રહે.પટેલનગર શાસ્ત્રી રોડ, બારડોલી)ને નેગોસિએભલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળ તકસીરવાન ઠેરવ્યા છે. કોર્ટે આરોપી પ્રોફેસરને બે વર્ષની સખત કેદની સજા કટકારી છે. સાથોસાથે ફરિયાદીને વળતર પેટે ચેકની મૂળ રકમ રૂ.૧,૫૦,૦૦૦ ચૂકવવાનો સ્પષ્ટ આદેશ કર્યો હતો. આ કેસની વિગતો મુજબ આરોપી પ્રોફેસરે અગાઉ લીધેલા રૂ.૧.૫૦ લાખના હાથ ઉછીના નાણા પરત કરવા માટે સોનગઢના કરિયાદી વેપારી અલ્કેશકુમાર કૈલાસચંદ્ર અગ્રવાલને ગત તારીખ તા.૧૭/૧૦/૨૦૧૩નો પોતાની એચ.ડી.એફ.સી બેંક બારડોલી શાખાનો ચેક નં.૦૦૦૦૦૧ આપ્યો હતો.


ફરિયાદીએ આ ચેક એસ.બી.આઈ બારડોલી શાખામા જમા કરાવવા તે ખાતામાં અપુરતુ ભંડોળ હોવાના કારણે પરત ફર્યો હતો. ફરિયાદીએ આ બાબતે આરોપી પ્રોફેસરને જાણ કરતા તેમણે બેલેન્સ જમા કરાવવાની માત્ર મૌખિક ખાતરી આપી હતી. ફરિયાદીએ વિશ્વાસ રાખી તારીખ ૨૧/૧૦/૨૦૨૩ નારોજ ફરીથી તે જ ચેક બેંકમાં જમા કરાવ્યો હતો. પરંતુ આ વખતે પણ તે અપૂરતા ભંડોળના કારણે જ પરત ફર્યો હતો. વારંવાર ચેક રિટર્ન થતા અને નાણા પરત ન મળતા ફરિયાદીએ તા.૮/૧૧/૨૦૧૩ નારોજ આરોપીને રજીસ્ટર્ડ પોસ્ટ દ્વારા કાયદેસરની નોટિસ પાઠવી હતી.


નોટીસ મળી જવા છતા આરોપીએ નાણા ચુકવવામા નિષ્ફળ રહેતા આખરે ફરિયાદીએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપી પ્રોફેસરે ગાયના ગોબરમાંથી કાગળ બનાવનાના ધંપાની લોભામણી વાત કરીને ફરિયાદીનો વિશ્વાસ કેળવ્યો હતો. અને ધંધાકીય જરૂરીવાત દર્શાવી મૂળ રકમ હાથ ઉછીની લીધી હતી. જેની પરત ચુકવણી પેટે આ રિટર્ન થયેલ ચેક આપવામાં આવ્યો હતો. બારડોલી કોર્ટે તમામ પુરાવા અને દલીલોને ધ્યાને લેતા આરોપી પ્રોફેસરને ચેક રિટર્નના ગુનામા દોષિત ઠેરવી ઉપરોક્ત સજા અને વળતરનો હુકમ કર્યો છે. કોર્ટે આરોપીનુ સજા વોરંટ તાત્કાલિક ઈસ્યુ કરી લાજપોર મધ્યસ્થ જેલ ખાતે બજવણી કરવાનો આદેશ પણ આપ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application