બારડોલી તાલુકાનાં બાબેન ગામ નજીક બાઈક સવાર 3 યુવકોને ઇકો કારનાં ચાલકે અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો જેમા ત્રણે યુવકોને ગંભીર ઈજાઓ સાથે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે આ પૈકી એક સુરતની ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જયારે અન્ય બે યુવક હાલ સારવાર હેઠળ છે. જતરે અકસ્માત સર્જી ઇકો કારનો ચાલક ફરાર થઇ ગયો હતો.
મળતી માહિતી મુજબ, ટાઇલ્સ ફિટિંગનું કામ કરતા અને બારડોલી ખાતે રહેતા રાજેન્દ્ર નાગરમલ શેની, કપિલ બાબુલાલ નારમોડીય અને વિનોદકુમાર નાથાલાલ શેની ત્રણે યુવકો ડિસ્કવર બાઈક પર સવાર થઈ મોતા ગામ તરફ કામ અર્થે જવા માટે નીકળ્યા હતા.
તે દરમિયાન ગોકુલમ સોસાયટી નજીક સામેથી આવતી ઇકો કાર નંબર GJ/19/BE/0756ના ચાલકે બાઈક સવાર ત્રણે યુવકોને અડફેટે લીધા હતા અને અકસ્માતમાં ત્રણેને ગંભીર ઈજાઓ થતા 108ની મદદથી બારડોલીની સરદાર સ્મારક હોપીટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રાજેન્દ્ર શેનીની હાલત ગંભીર જણાતા તેને સુરતની ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
જ્યારે અન્ય બે યુવક કપીલ નારમોડીયા તેમજ વિનોદ શેની હજુ પણ સારવાર હેઠળ છે. અકસ્માત સર્જી ઇકો કારનો ચાલક ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ બારડોલી રૂરલ પોલીસને થતાં પોલીસે ઇકો ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500