સુરત શહેરનાં સાયણ ખાતે સીટી બસમાં અચાનક આગ લાગી ગઈ હતી. બોનેટમાંથી લાગેલી આગ જોતજોતમાં બસમાં ફેલાઈ ગઈ હતી. જયારે ડી.આર.જી.ડી. હાઈસ્કૂલની સામે બસમાં લાગેલી આગ એટલી ભયાવહ હતી કે, બાજુમાં રહેલો પતંગનો મંડપ પણ બળીને ખાક થઈ ગયો હતો. આગનાં કારણે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, બસમાં સવાર 27 મુસાફરોનો ડ્રાઈવરની સમયસૂચકતાને પગલે આબાદ બચાવ થયો હતો. બનાવની વિગત એવી છે કે, સુરત રેલવે સ્ટેશનથી સિટી બસ સાયણ જવા નીકળી હતી. તે દરમિયાન સાયણ ખાતે આવેલી ડી.આર.જી.ડી. હાઈસ્કૂલની સામે જ બસના એન્જિનમાંથી ધુમાડા નીકળવા લાગ્યાં હતાં.
જેથી ડ્રાઈવરે સમયસૂચકતા દર્શાવીને મુસાફરોને નીચે ઉતારી દીધા હતાં. બાદમાં આગ વધુ ઝડપથી ફેલાવા લાગી હતી. જેથી આસપાસમાં ભયનો માહોલ સર્જાયો હતો અને સિટી બસમાં આગ એટલી ભીષણ હતી કે, બસ તો આગમાં ખાક થઈ ગઈ હતી. પરંતુ સાથે જ સળગતી બસની બાજુમાં જે પતંગનો મંડપ ઉભો કરાયેલો હતો. તેમાં પણ તણખો પડતાં પતંગનો મંડપ પણ બળીને ખાક થઈ ગયો હતો. સુરતથી નીકળેલી બસમાં સાયણ સુધીમાં 27 મુસાફરો પ્રવાસ કરી રહ્યાં હતાં. જોકે સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થઈ ગયો હતો. જેથી મુસાફરો અને સ્થાનિક લોકોએ હાશકારાની લાગણી અનુભવી હતી.
બસમાં આગ લાગવાની ઘટના સર્જાતા મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠાં થઈ ગયાં હતાં. બસમાં આગ લાગતાં ફાયર બ્રિગેડને જાણ કરી દેવામાં આવી હતી. ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સાયણ ફાયર બ્રિગેડનાં અધિકારીએ જણાવ્યું હતું કે, બસમાં આગ લાગવાનો કોલ મળતાં જ ટીમ પહોંચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવાયો હતો. જોકે આગ પર કાબૂ મેળવી લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500