સુરતમાં માર્ગ અકસ્માતમાં બે બનાવમાં કાપોદ્રામાં શનિવારે સાંજે પુરઝડપે હંકારતા ટ્રકે મોપેડને ટક્કર મારતા વૃધ્ધનું મોત થયુ હતુ. જયારે પુણા રોડ પર લકઝરી બસનાં ચાલકે અડફટે લેતા અજાણ્યા યુવાનનું મોત થયું હતુ. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ, કતારગામમાં સુમુલ ડેરી રોડ સરદાર નગર પાસે અલોકીક એપાર્ટમેન્ટમાં રહેતા 67 વર્ષીય મુળજીભાઇ વાલજીભાઇ પટેલ શનિવારે સાંજે સરથાણામાં સબંધીની ખબર અંતર પુછીને મોપેડ પર ઘરે આવવા નીકળ્યા હતા.
તે સમયે કાપોદ્રા સ્વામીનારાયણ મંદિર પાસે બ્રીજની બાજુમાં ટ્રક ચાલકે ટક્કર મારી હતી. જેમાં તેમને ગંભીર ઇજા થતા ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત થયું હતુ. મુળજીભાઇ મુળ ભાવનગરના ગારીયાધારમાં મોરબા ગામના વતની હતા. તેમના બે પુત્ર કાપડના ધંધા સાથે સંકળાયેલા છે. બીજા બનાવમાં પુણા રોડ સરદાર માર્કેટ પાસે કર્ણી ચોક નજીક ટ્રાફિક પોલીસ ચોકી પાસે 30 થી 35 વર્ષનો અજાણ્યા પુરૃષ રોડ ક્રોસ કરતો હતો. ત્યારે તેને રાજસ્થાન પાર્સિંગની લકઝરી બસે અડફટે લીધો હતો. જેમાં તેને ગંભીર ઇજા થતા ઘટના સ્થળે મોત થયું હતુ. તેણે કોફી રંગની ટી શર્ટ, લાલ કલરની પેન્ટ, હાથમાં લાલ દોરો, જમણા હાથમાં ઓમ અને ફુલનું છુંદણું દોરેલુ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500