દાંડી ફાટક રોડ પર મોડી રાતે ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા કાર ટ્રેલરમાં અથડાતા યુવકનું મોત થયુ હતુ. નવી સિવિલથી મળેલી વિગત મુજબ, પાલનપુર કેનાલ રોડ સ્થિત શ્રીસાંઈ બંગ્લોઝમાં રહેતો 25 વર્ષનો પાર્થ માનસિંહ બારીયા રીંગરોડ વિસ્તારની ઓફિસમાં ફાયનાન્સનો ધંધો કરતો હતો. જોકે તેઓ શનિવારે રાત્રે પાર્થ તેની કાર લઈ કામ અર્થે નીકળ્યો હતો.
તે સમયે દાંડી ફાટક રોડ શિવમ હોટલ નજીક અચાનક ટ્રેલર ચાલકે બ્રેક મારતા તેની કાર ટ્રેલર સાથે અથડાઇ હતી. જેમાં પાર્થને ગંભીર ઇજા થઇ હતી અને અકસ્માતનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. બનાવ અંગે ફાયર બિગ્રેડને અને પોલીસને પણ જાણ થતા દોડી ગયા હતા.
જયારે પાર્થ કારનાં આગળના ભાગમાં ફસાઈ ગયો હતો. ફાયર જવાનો ત્યાં પહોંચે તે પહેલા પોલીસ અને સ્થાનિક લોકોએ તેને બહાર કાઢી સારવાર માટે 108માં નવી સિવિલમાં ખસેડયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500