સુરતનાં માંડવી તાલુકાનાં બલાલતીર્થ ગામની સીમમાં મહુડી જતાં રોડ પરથી પશુ ભરેલી ટ્રક પોલીસે ઝડપી પાડી હતી. જોકે ટ્રકની તલાશી લેતા અંદરથી 13 ભેંસો ખીંચોખીચ હાલતમાં મળી આવી હતી. આમ, પોલીસે ભેંસો અને ટ્રક સહિત કુલ રૂપિયા 9.55 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, માંડવી પોલીસને બાતમી મળી હતી કે, ઝંખવાવથી ગેરકાયદે પશુ ભરી ઉકાઈ ફેદરિયા રોડ થઈ માલેગાંવ તરફ એક ટ્રક જઇ રહી છે.
જે બાતમીના આધારે માંડવી પોલીસની ટીમે રાત્રિના દોઢેક વાગ્યાની આસપાસ ઉકાઈ ફેદરિયા રોડ પર બલાલતીર્થ ગામની સીમમાં વોચમાં હતા. તે સમયે શંકાસ્પદ ટ્રક આવતા જ પોલીસે તેને ઊભા રહેવા ઈશારો કર્યો હતો. પરંતુ ચાલકે ટ્રક ઊભી ન રાખી આગળ હંકારી ગયો હતો. જોકે પોલીસે તેનો પીછો કરતાં મહુડી તરફ જવાના રસ્તા પર ટ્રક ઊભી રાખી ચાલક અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો.
ત્યારબાદ પોલીસે ટ્રકમાં તલાશી લેતા અંદર 13 ભેંસો ખીચોખીચ ક્રૂરતા પૂર્વક ભરી હતી. આમ, પોલીસે તમામ ભેંસોને છોડાવી પાંજરપોળ મોકલવાની તજવીજ હાથ ધરી 5 લાખની કિંમતની ટ્રક અને 4.55 લાખ રૂપિયાની ભેંસ મળી કુલ 9.55 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500