નવસારીનાં નેશનલ હાઇવે નંબર-48 નજીક ખડસુપા ગામ પાસે આવેલા શેરડીનાં ખેતરમાં શર્ટ કાઢેલી હાલતમાં નજીકના જ ગામના યુવકની ફાંસો ખાધેલી લાશ મળતા પંથકમાં ચકચાર મચી ગઇ હતી. જયારે બે દિવસ પહેલા ઘરેથી કપડા લેવા જાઉં છું તેમ કહી ઘરે પરત ફર્યો ન હતો. ત્યારબાદ બનાવ અંગે મૃતકના પરિવારજનોએ પોલીસમાં જાણ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નવસારી તાલુકાનાં નવાતળાવ ગામે મુકેશભાઈ હળપતિ તેમના બે દીકરા સાથે રહે છે. જેમાં નાનો પુત્ર ચેતન હળપતિ નવસારીની ગાર્ડા કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે.
જોકે મૃતક ચેતન હળપતિ ગત તા.28મી મેના રોજ ઘરેથી કપડાં લેવા જાઉં છું તેમ કહી ગયો હતો અને રાત્રિ પરત ઘરે નહીં આવતા પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી પણ તે મળી આવ્યો ન હતો. જોકે બીજા દિવસે નેશનલ હાઈવે નંબર-48 પાસે આવેલ ખડસુપા પાટીયા નજીક શેરડીના ખેતરમાંથી ચેતનની અર્ધનગ્ન અવસ્થામાં ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઇ હતી.
ઘટનાની જાણ મુનસાડ આઉટ પોસ્ટનાં પી.એસ.આઈ.ને થતાં તેઓએ ઘટના સ્થળે જઇ કાર્યવાહી હાથ ધરી મૃતકની લાશને પીએમ માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જોકે, મૃતકની લાશ જોતા ગ્રામજનો તેની હત્યા થઈ હોવાનું માની રહ્યાં છે. જોકે મોતનું સાચુ કારણ પીએમ રિપોર્ટમાં જાણવા મળશે તેવી માહિતી પોલીસે આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500