વલસાડનાં ડેહલી મૂળાપાડા પાસે ભીલાડની કારને અકસ્માત નડયો હતો. જેમાં ઈજા પામેલા કરજગામના યુવાનનું મોત નિપજયું હતુ. મળતી માહિતી મુજબ, ઉમરગામ તાલુકાનાં ભીલાડ મૂળાપાડા ફળિયામાં રહેતાં જય રાજેશભાઈ સાવંત પોતાના મિત્રો સંજયભાઈ પટેલ, હિતેશભાઈ હળપતિ અને મહેશભાઈ વારલી સાથે સ્વીફ્ટ કાર લઈ મહાલક્ષ્મી મંદિર દર્શન માટે નીકળ્યા હતા.
આ સમયે ભીલાડ હાઈવે ઉપર ટ્રાફિક હોવાથી તેઓ સંજાણ તરફ જવા નીકળ્યા હતા. સંજયભાઈ કાર ચલાવતા હતા અને બાજુની સીટ પર હિતેશભાઈ અને પાછળ જયભાઈ અને મહેશભાઈ બેઠા હતા. તે દરમિયાન રાત્રિના આશરે ૧૧:૩૦ વાગ્યાના અરસામાં ભીલાડ ડેહલી શ્રીજી હોસ્પિટલની આગળ નહેર પાસે ડેહલી મૂળાપાડા પાસે તેઓ પહોંચતા આગળ ચાલતી બસને ઓવરટેક કરવા પ્રયાસ કરાયો હતો.
આ દરમિયાન સામેથી આવતી આઈ-૨૦ અને બલેનો કાર સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જોકે આવાજ આસપાસથી પસાર થતાં લોકો ભેગા થયા હતા. ત્યારબાદ લોકોએ કારમાં બેસેલા જય અને તેમના મિત્રોને બહાર કાઢ્યા હતા. તેમને શરીરે ઈજા થઈ હોવાથી ૧૦૮ મારફતે વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં રવિવારે મધરાત્રીએ સારવાર દરમિયાન મહેશભાઈ દિવાર વારલી (રહે. કરજગામ)નું મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ જય સાવંતે ભીલાડ પોલીસ મથકમાં કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500