નવસારી એલ.સી.બી.ને ચોરીનાં 19 મોબાઈલ સાથે ચાર આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. નવસારી એલ.સી.બી. પોલીસે આરોપીઓની પૂછપરછમાં કેટલાક ખુલાસા સામે આવ્યા હતા. જેમાં આરોપીઓ ટ્રેનમાં ઊંઘી રહેલા મુસાફરો અથવા દાદર પર બેસી સર્ફીંગ કરતા મુસાફરોના મોબાઈલ તફડાવતા હોવાનું સામે આવ્યું હતું. મોબાઈલ ચોરી અંગે નવસારી રેલવેના તમામ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાઈ હતી.
નવસારીના વિજલપોર વિસ્તારમાં આવેલા ચંદન તળાવ પાસે રૂપિયા 1,55,000/-ની કિંમતના 19 જેટલા ચોરીનાં મોબાઇલ વેચવા જતા હોવાની બાતમી મળતા તેઓને રંગે હાથ ઝડપી પાડયા હતા અને પૂછપરછમાં તેઓ ભાંગી પડતાં ટ્રેનમાં મોબાઇલ ચોરી કરતા હોવાની કબૂલાત કરી હતી. જયારે ઝડપાયેલા આરોપીઓમાં રૂપસિંગ હરકિશનસિંહ રાજપુત, રવિન્દ્ર સુદામા મ્હાલે, દિનેશ ગોપીચંદ આહિરે અને રાજેન્દ્રકુમાર ગુપ્તાની ધરપકડ કરી હતી.
જયારે આ ચાર પૈકી રાજેન્દ્રકુમાર શામલાલ ગુપ્તા ત્રણેય પાસેથી ચોરીનાં મોબાઈલ ખરીદતો હતો અને યુ.પી. સહિત ગુજરાતમાં તેનું વેચાણ કરતો હતો. આ સમગ્ર મામલે વિજલપોર પોલીસ સ્ટેશને તપાસ સોંપવામાં આવી છે. આરોપીઓ આ પહેલા અન્ય કોને કોને મોબાઈલ વેચ્યા છે તેની તપાસ પોલીસે હાથ ધરી હતી. મોબાઇલ ચોરી થયા બાદ મોટા ભાગનાં લોકો પોલીસ ફરિયાદ કરવાનું ટાળતા હોય છે પણ જો આરોપીની ધરપકડ થાય અને મુદ્દામાલ કબ્જે થાય તો પોલીસ ફરિયાદ કરી હોય તો જ મોબાઈલ જે તે માલિક ને સોંપે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500