નવસારીનાં જલાલપોરનાં દાંતી ગામે માછલી પકડવા ગયેલો 33 વર્ષીય યુવક દરિયામાં ભરતી આવતા ઊંડા પાણીમાં ડૂબવા લાગતા બચાવોની બૂમો પાડી હતી. પરંતુ કોઈ તેને બચાવે એ પહેલા જ ઊંડા પાણીમાં ડૂબી જતાં મૃત્યુ થયું હતું. બનાવ અંગે મરોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, જલાલપોર તાલુકાનાં દાંતી ગામે જલારામ ફળિયામાં રહેતા ગણેશ રામાભાઈ પટેલે મરોલી પોલીસમાં જાણ કરી કે તેમના મહોલ્લામાં રહેતા રવિ પ્રભુભાઈ પટેલ પરિવાર સાથે રહી માછીમારી કરી આર્થિક જીવન ગુજારતો હતો. જોકે રવિભાઈ પટેલ હંમેશાની માફક માછીમારી કરવા દાંતી ગામ અને ભીમપોર તરફના દરિયા પાસે ગયો હતો.
તે દરમિયાન દરિયામાં ભરતી આવી હતી. ભરતીના પાણી ઝડપથી વધી જતાં તે દરિયામાં ડૂબવા લાગ્યો હતો. જેથી રવિએ બચાવોની બૂમ પણ પાડી હતી. પરંતુ આસપાસનાં લોકોએ તે સાંભળી તેને બચાવવા આવ્યા હતા પરંતુ પાણીની સપાટી ઝડપથી વધી જતા અન્ય લોકો તેને બચાવવા આવે તે પહેલાં જ ડૂબી જવાથી તેનું મોત થયું હતું. ઘટનાની ખબર પડતા દાંતી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500